ભારતમાં મંગળવારે કોરોનાના નવા કેસનો આંકડો 50,000થી નીચો રહ્યો હતો અને દૈનિક મોતની સંખ્યા પણ ઘટીને 800ની નજીક આવી હતી. જોકે અગાઉના દિવસની સંખ્યામાં નવા કેસની સંખ્યામાં વધારો થયો હતો. કોરોનાના નવા કેસમાં ઘટાડો થતા રિકવરી રેટ પણ ઘણો ઊંચો જઈ રહ્યો છે. કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 3,98,454 થયો હતો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે સવારે જણાવ્યા પ્રમાણે ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 45,951 કેસ નોંધાયા હતા અને 817 દર્દીઓના મૃત્યું થયા હતા. ભારતમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થવાથી રિકવરી રેટ વધીને 96.92% પર પહોંચ્યો હતો.
મંગળવારે વધુ 60,729 દર્દીઓ સાજા થયા હતા તેનાથી સાજા થયેલા કુલ દર્દીઓ વધીને 2,94,27,330 થઇ હતી. કુલ કેસનો આંકડો 3,03,62,848 પર પહોંચ્યો હતો. મહત્વનું છે કે સોમવારે કોરોનાના નવા કેસની સંખ્યા 37,566 સાથે 40 હજાર કરતા પણ નીચે નોંધાઈ હતી. જ્યારે 907 દર્દીઓના મોત થયા હતા.
કોરોનાને હરાવીને સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો થવાથી એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 5,37,064 થઈ હતી. ભારતમાં 16 જાન્યુઆરીએ કોરોનાની રસી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં 29મી મે સુધીમાં કુલ 33,28,54,527 ડોઝ આપવામાં આવ્યા હતા.