અક્ષયકુમારની નવી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ના નામ અંગે વિવાદ ઊભો થયો છે. તાજેતરમાં ચંદિગઢમાં અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના કાર્યકરોએ પ્રદર્શન કરી દિગ્દર્શક ચંદ્રપ્રકાશ દ્વિવેદી, નિર્માતા આદિત્ય ચોપરા સાથે મુખ્ય અભિનેતા અક્ષયકુમારના પૂતળાં બાળ્યા હતા. અને હવે સંસ્થાના કાર્યકરોએ એવી માગ કરી છે કે ફિલ્મનું નામ માત્ર ‘પૃથ્વીરાજ’ નહીં પરંતુ ‘હિન્દુસમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ’ અથવા ‘મહારાણા પૃથ્વીરાજ ચૌહાણ’ હોવું જોઈએ, કારણ કે પૃથ્વીરાજ ચૌહાણ જ છેલ્લા હિન્દુસમ્રાટ હતા. આથી તેમના નામને સંપૂર્ણ સન્માન મળવું જોઈએ.
આ સાથે જ એવી પણ માગણી કરી છે કે રિલિઝ પહેલાં આ ફિલ્મને ક્ષત્રિય અને રજપૂત સમાજના પ્રતિનિધિઓને બતાવવી જોઈએ. જેથી કરીને જાણી શકાય કે ફિલ્મમાં કોઈ વિવાદ તો નથીને અથવા તો ઈતિહાસ સાથે કોઈ છેડછાડ તો નથી કરવામાં આવીને. આ સાથે તેમણે એવી ધમકી પણ આપી છે કે જો પ્રોડ્યુસર-ડાયરેક્ટર આ બાબતનું નિરાકરણ નહીં લાવે તો ક્ષત્રીય સમાજ ‘પદ્માવત’ અને ‘જોધા અકબર’ ફિલ્મની જેમ વિરોધ કરશે. આ ફિલ્મના નામ સામે રજપૂત કરણી સેનાએ પણ વિરોધ વ્યક્ત કર્યો જ છે