ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ અને ભારતીય ક્રિકેટ બોર્ડે આ વર્ષે ટી-૨૦ વર્લ્ડ કપ હવે ભારતના બદલે યુએઈમાં યોજવાનો નિર્ણય લીધો છે. ભારતમાં આ વર્ષે આઈપીએલ શરૂ કર્યા પછી કોરોના વાઈરસના રોગચાળાના પગલે અધુરી મુકવી પડી હતી અને હવે તેની બાકીની મેચ પણ ભારતીય ક્રિકેટ બોર્ડે યુએઈમાં યોજવાનું નક્કી કર્યું છે. આઈપીએલની બાકી મેચ સપ્ટેમ્બરમાં શરૂ કરીને ઓક્ટોબરમાં પુરી થયા પછી ટી-20 વર્લ્ડ કપ બે દિવસના અંતર બાદ, 17 ઓક્ટોબરથી શરૂ થશે અને 14 નવેમ્બરે પુરી થશે.
ટી-૨૦ વર્લ્ડ કપ દુબઈ, અબુ ધાબી, શારજાહ અને ઓમાનના અલ અમેરાત, મસ્કત, એમ ચાર શહેરોમાં યોજાશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ સોમવારે આ સમાચારને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, યુએઈ – ઓમાનમાં પણ આ વર્લ્ડ કપનું યજમાન તો ભારત જ રહેશે.
સ્પર્ધાની ફોર્મેટ મુજબ 8 ક્વોલિફાઈંગ ટીમ્સ રમશે, જેમાં બંગલાદેશ, શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ્સ, સ્કોટલેન્ડ, નામીબીઆ, પપુઆ ન્યૂ ગીની તથા ઓમાનનો સમાવેશ થાય છે. એમાંથી ચાર ટીમ આગળના તબક્કે સુપર 12ના રાઉન્ડમાં જશે, જેમાં બાકીની 8 ટીમ ઓટોમેટિક ક્વોલિફાઈર્સ રહેશે.
આઈસીસીના સીઈઓ જ્યોફ એલારડાઈસે મંગળવારે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આ સ્પર્ધા ભારતમાં નહીં યોજી શકવા બદલ અમે નિરાશ થયા છીએ, પણ આખરે અમારી પ્રાથમિકતા હવે આ તે સુરક્ષિત રીતે, સંપૂર્ણપણે અને નિર્ધારિત કાર્યક્રમ મુજબ યોજવાની રહી છે. યુએઈ અને ઓમાન હાલના કોરોના વાઈરસના રોગચાળાના માહોલમાં પણ અનેક ટીમો ભાગ લેતી હોય તેવી સ્પર્ધા બાયો સીક્યોર વાતાવરણમાં યોજી શકવાની ક્ષમતા માટે નિવડેલા છે.