યુરોપિયન યુનિયને કોવિશીલ્ડ વેક્સીન લેવનારા પ્રવાસીઓને ગ્રીન પાસ અથવા વેક્સીન પાસપોર્ટનો ઇનકાર કર્યો છે. કોવિશીલ્ડ ભારતમાં ઉત્પાદિત એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડની વેક્સીન છે. યુરોપે અત્યાર સુધી યુકે અને યુરોપમાં ઉત્પાદિત એસ્ટ્રાઝેનેકા વેક્સીનના માત્ર વેક્સઝેવરિયા વેર્ઝનને મંજૂરી આપી છે. જોકે યુરોપિયન મેડિસિન એજન્સીએ ભારતની સીરમ ઇન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડ વેક્સીનને હજુ મંજૂરી આપી નથી
કોવિશીલ્ડ વેક્સિન લેનારા મુસાફરોને યુરોપિયન યુનિયનના દેશ પોતાના ત્યાં આવવાની મંજૂરી નહીં આપે. યુરોપ અનેક દેશોએ ડિજિટલ વેક્સિન પાસપોર્ટ જાહેર કરવા શરૂ કરી દીધા છે જે યુરોપીય લોકોને કામ અથવા પર્યટન માટે સ્વતંત્રરૂપે આવવા-જવાની મંજૂરી આપે છે.
યુરોપિયન યુનિયને અગાઉ કહ્યું હતું કે, સભ્ય દેશોએ કોવિડ-19 વેક્સિનના પ્રકારની પરવા કર્યા વગર પ્રમાણપત્ર જાહેર કરવા જોઈએ. પરંતુ ‘ગ્રીન પાસ’ની ટેક્નિકલ બાબતોમાંથી સંકેત મળી રહ્યો છે કે, તે ઈયુ-વ્યાપક માર્કેટિંગ અધિકૃતતા પ્રાપ્ત કરનારી વેક્સિન સુધી જ સીમિત રહેશે.
યુરોપીય મેડિસન એજન્સી (EMA) તરફથી હાલ માત્ર ચાર કોવિડ વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ફાઈઝર, મોડર્ના, એસ્ટ્રાજેનેકા અને જોહન્સન એન્ડ જોહન્સનનું નામ સામેલ છે, એટલે કે માત્ર આ ચારમાંથી કોઈ વેક્સિન લીધી હોય તો જ તે વ્યક્તિ યુરોપની મુસાફરી કરી શકે છે. પુણેમાં SII દ્વારા બનાવવામાં આવેલી એસ્ટ્રાજેનેકા કોવિશીલ્ડને યુરોપ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. જોકે કોવિશીલ્ડને WHO તરફથી મંજૂરી આપવામાં આવી છે.
આ અંગે સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (SII)ના સીઇઓ અદાર પૂનાવાલાએ સોમવારે ટ્વીટ કરી કહ્યું કે મને ખબર છે કે ઘણા બધા ભારતીય જેમણે કોવિશીલ્ડ રસી લીધી છે તેમને યુરોપિયન યુનિયનનો પ્રવાસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હું બધાને વિશ્વાસ અપાવું છું કે મેં આ પ્રશ્નને ઉચ્ચ સ્તર પર ઉઠાવ્યો છે અને આશા છે કે આ કેસને ઝડપથી ઉકેલાશે. નિયામક અને ડિપ્લોમેટસ બંને સ્તર પર તેનો ઉકેલ આવશે.