ભારતના મિલિટરી બેઝ પર સૌ પ્રથમ વખત ડ્રોનનો ઉપયોગ કરીને રવિવારે ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. જમ્મુ એરપોર્ટમાં એર ફોર્સ બેઝમાં બે બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ હુમલામાં એર ફોર્સના બે અધિકારીઓને નજીવી ઇજા થઈ હતી. હુમલો ડ્રોન વડે કરવામાં આવ્યો હતો કે અન્ય કોઈ કારણસર વિસ્ફોટ થયો તેની તપાસ ચાલુ છે.
જમ્મુ એરપોર્ટ ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન અંદર મોડી રાતે 2 વિસ્ફોટો થયા હતા. પહેલો વિસ્ફોટ રાતે 01:37 કલાકે થયો હતો અને તેની 5 મિનિટ બાદ બીજો વિસ્ફોટ થયો હતો. જોકે આ બંને વિસ્ફોટોના કારણે ખાસ કોઈ નુકસાન નથી થયું. હવાઇદળેએ ટ્વીટમાં લખ્યું હતું કે, પહેલો વિસ્ફોટ બિલ્ડિંગની છત પર અને બીજો વિસ્ફોટ જમીન પર થયો હતો. વિસ્ફોટના કારણે ફક્ત બિલ્ડિંગની છતને જ નુકસાન થયું છે અને હવાઇદળના 2 કર્મચારીઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે.
વિસ્ફોટની આ ઘટનામાં આતંકવાદી હુમલાનું એન્ગલ પણ સામે આવી રહ્યું છે તથા એનઆઈએ અને એનએસજીની ટીમ તપાસ માટે એરફોર્સ સ્ટેશન પહોંચી ગઈ છે. તપાસમાં ડ્રોન વડે IED ફેંકવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા ડ્રોન વડે IED ફેંકવામાં આવ્યા હોવાની શક્યતા છે કારણ કે, એરફોર્સ સ્ટેશન અને બોર્ડર વચ્ચે માત્ર 14 કિમીનું જ અંતર છે તથા ડ્રોન વડે 12 કિમી સુધીના વિસ્તારમાં હથિયારો ફેંકી શકાય છે. ડ્રોન વડે હુમલાની આશંકાને પગલે અમ્બાલા, પઠાણકોટ અને અવંતિપુરા એરબેસને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
આ ષડયંત્ર માટે પી-16 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. આ ડ્રોન ખૂબ જ નીચે ઉડી શકે છે જેથી ઘણી વખત તે રડારની નજરમાંથી પણ બચી જાય છે. ડ્રોનનું સંભવિત લક્ષ્ય એક વિમાન હોવાની આશંકા છે.