હર્ટફર્ડશાયરની એક લેબોરેટરીની 20 જૂનના રોજ મુલાકાત દરમિયાન વડા પ્રધાન બોરિસ જોન્સને ‘રફ શિયાળા’ની ચેતવણી આપતા ભવિષ્યના વધુ લોકડાઉનને નકારી કાઢી હોલીડે કરવાની બ્રિટનના લોકોની આશા હોવા છતાં મુસાફરી માટે આગામી વર્ષ ‘મુશ્કેલ વર્ષ’ બનશે એમ જણાવ્યું હતું.
વડા પ્રધાન બોરીસ જોન્સને તા. 5 જુલાઈના રોજ મીડ-પોઇન્ટ રીવ્યુની શરૂઆતમાં બાકીના કોવિડ નિયમોને સરળ બનાવવાની આશાઓ બાબતે જણાવ્યું હતું કે ‘ડેલ્ટા’ વેરિયન્ટના કેસો, ICUમાં દાખલ થવાના અને હોસ્પિટલમાં દાખલ થવાના કેસો વધી રહ્યા છે અને યુકેએ ‘સાવધ’ રહેવું જ જોઇએ. ડેલ્ટા વેરિયન્ટના કેસોમાં દર અઠવાડિયે 30 ટકાનો વધારો થઈ રહ્યો છે ત્યારે હાલને તબક્કે 19 જુલાઈના રોજ બધા નિયમો હળવા કરવા માટે હજી પણ ‘સારા પુરાવા દેખાઈ રહ્યા છે’. જો કે ‘નવી ભયજનક સ્થિતી ઉભરી શકે એમ હોવાથી ભવિષ્યમાં લોકડાઉન થવાની સંભાવના જરા પણ નથ.’’
વડા પ્રધાને ‘સ્વતંત્રતાના દિવસ’ 19 જુલાઇ માટે ચાર અઠવાડિયાનો વિલંબ કર્યો હતો અને 5 જુલાઇએ બે સપ્તાહની સમીક્ષા કરાશે એમ જણાવ્યું હતું.
વડા પ્રધાને કહ્યું હતું કે ‘’નવા સત્તાવાર આંકડા દર્શાવે છે કે પરિવર્તનશીલ સ્ટ્રેઇન સામે દેશને ‘સાવધ’ રાખવો જ જોઇએ. હવે ઇંગ્લેન્ડમાં આ ડેલ્ટા સ્ટ્રેઇન 300થી વધુ લોકોલ ઓથોરિટી વિસ્તારોમાં પ્રબળ બન્યો છે. પરંતુ ‘વેક્સીનેશન રોલઆઉટ ગેંગબસ્ટર્સ થઈ રહ્યું છે અને વેરિયન્ટ સામે અસરકારક બની રહ્યું છે. બ્રિટનને ‘સલામત’ રાખવું અને ખતરનાક નવા કોવિડ વેરિયન્ટ્સને દેશમાં પ્રવેશતા અટકાવવો તે મારી પ્રાથમિકતા છે, એટલે કે આવતા મહિનાઓમાં વિદેશની ઉડાન ભરવા માંગતા કોઈપણને ‘પરેશાની’ અને ‘વિલંબ’નો સામનો કરવો પડે તેવી સંભાવના છે. લોકોને હું વિનંતી કરૂ છું કે બીજો ડોઝ મેળવો. 50 વર્ષથી વધુનાં બધા લોકો, કેર વર્કર્સ અને બધા સંવેદનશીલ જૂથના લોકોને રસી ઓફર કરવામાં આવી છે. મને લાગે છે કે આ દેશમાં લગભગ 60 ટકા પુખ્ત વયના લોકોને રસીના બે ડોઝ આપવામાં આવ્યા છે.’’
સમર હોલીડેની આંતરરાષ્ટ્રીય મુસાફરીની શરૂઆત થવાની આશા પર પાણી ફેરવતાં તેમણે સ્વીકાર્યું હતું કે આ વર્ષે વિદેશી યાત્રા ‘મુશ્કેલ’ બની જશે. જો કે ટેન ડાઉનીંગ સ્ટ્રીટ દ્વારા રસીના બેવડા ડોઝ લીધા હોય તેમના બ્રિટન પરત થવા પર ક્વોરેન્ટાઇન નિયમો બંધ કરવાની યોજના બનાવી રહ્યું છે. કેટલાક કેબિનેટ મંત્રીઓએ અગાઉ સૂચવ્યું છે કે સરકાર રસીના ડબલ ડોઝ લેનારા લોકોને વધુ સ્વતંત્રતા આપવા માટે સક્રિય છે.
દરમિયાન, હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે ‘’સરકાર મુસાફરીના નિયમો હળવા કરવા, હોલીડેની આશાઓને વેગ આપવા કામ કરી રહી છે. મેટ હેનકોકે ફોરેન ટ્રાવેલના નિયમો હળવા કરવાની સંભાવના બાદ પુષ્ટિ કરી હતી કે યુકેમાં પરત ફરતા બેવડી રસી ધરાવતા લોકો માટે ઇઝરાયેલ-શૈલીની ક્વોરેન્ટાઇનની યોજના સરકાર દ્વારા ધ્યાનમાં લેવામાં આવી રહી છે. મિનિસ્ટરો ડબલ-જેબવાળા પુખ્ત વયના લોકો અને તેમના બાળકો માટે ‘હળવા પ્રતિબંધો’ પર કામ કરી રહ્યા છે. પરંતુ અમે પાઇલોટ યોજનાના ડેટા વિશ્લેષણ કરતા નિષ્ણાંતોની રાહ જોઈ રહ્યા છીએ.’’
ટૉરી સાંસદો, હોસ્પીટાલીટી ક્ષેત્રના વડાઓ અને ટ્રાવેલ બોસીસ આશાવાદી છે કે વડા પ્રધાન લોકડાઉનમાંથી દેશને બહાર કાઢવાની કામગીરીને વેગ આપશે.
વડા પ્રધાનના સત્તાવાર પ્રવક્તાએ કહ્યું હતું કે, ‘’બે અઠવાડિયા પછી આગળ વધવું શક્ય છે કે કેમ તે માટે અમે કોવિડના કેસના ડેટાનું નિરીક્ષણ કરીશું. શનિવારે સતત ત્રીજા દિવસે 10,000 કેસ નોંધાયા હતા જે 2 ફેબ્રુઆરી પછીનું ઉચ્ચતમ સ્તર છે. હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સાત દિવસની સરેરાશ પણ સતત વધી રહી છે. આઈસીયુના દર્દીઓ પણ વધી રહ્યા છે.’
અત્રે ઉલ્લેખનીય છે કે તા. 20 મેથી 9 જૂન દરમિયાન સ્પેન, ગ્રીસ, ફ્રાંસ અને ઇટાલી જેવા દેશોમાંથી યુકેમાં આવેલા 23,465 લોકોમાંથી 89 લોકોના પોઝીટીવ ટેસ્ટ જણાયા હતા.