પ્રદૂષણમાં ઘટાડો કરવાના હેતુ સાથે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંગળવારે અનેક પ્રોત્સાહનો સાથે આગામી ચાર વર્ષ માટે ઇલેક્ટ્રિક વ્હિકલ માટેની પોલિસી જાહેર કરી હતી. આ નવી નીતિ મુજબ ટુ-વ્હીલર માટે રૂ.20,000 અને ફોર વ્હિલર્સ માટે રૂ.1.5 લાખની સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં 500 ચાર્જિંગ સ્ટેશનનો ઊભા કરવામાં આવશે.
રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં અનેક વિષયો પર પોલિસી જાહેર કરાઇ છે. ભારતમાં ગુજરાતએ પોલિસી ગ્રીવન સ્ટેટ મુદ્દે આગવી ઓળખ ઊભી કરી છે. ગુજરાતને પ્રદૂષણમુક્ત કરવાનો પ્રયાસ શરૂ છે.
નવી પોલિસીની વિગત આપતા તેમણે જણાવ્યું કે, ‘ટૂ-વ્હીલર માટે રૂ. 20,000, થ્રી-વ્હીલર માટે રૂ.50,000 અને ફોર-વ્હીલર માટે રૂ.1.5 લાખની સબસિડી આપવામાં આવશે. હોટલો પાસે ચાર્જિંગ સ્ટેશન કરવાનું સરકારનું આયોજન છે. રાજ્યમાં 250 ચાર્જિંગ સ્ટેશન મંજૂર થયેલા છે. 500 જેટલાં ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાશે. ઇલેક્ટ્રિક વ્હીકલો માટે પ્રતિ કિલો વોટ સબસિડી અપાશે. પોલીસી 4 વર્ષ માટે માન્ય ગણાશે.
તેમણે જણાવ્યું કે, ‘ઇલેક્ટ્રિક વ્હીકલો પર અન્ય રાજ્યોમાં ટેક્સ માફી છે તો ગુજરાત રાજ્યએ સબસિડી આપી છે. બેટરી સ્વેપિંગ સ્ટેશનોને પણ પ્રોત્સાહિત કરાશે. રાજ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલોનું પ્રોડક્શન જૂન મહિનાથી શરૂ થઇ જશે. હાઇવે પર ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરાશે. ઇલેક્ટ્રિકલ વાહનોનાના ઉપયોગથી 6 લાખ ટન કાર્બન ઉત્સર્જન અટકશે.’