ભારત સરકારની માલિકીની એર ઇન્ડિયા પાસે બ્રિટનની કેઈર્ન એનર્જી દ્વારા દાખલ કરાયેલા કાનૂની દાવાને પડકાર આપવા માટે જુલાઈના મધ્ય સુધીનો સમય છે. કેઈર્ન એનર્જીએ અમેરિકાની ફેડરલ કોર્ટમાં અરજી દાખલ કરીને એર લાઇન્સને આદેશ આપવાની અપીલ કરી છે કે તે ભારત સરકાર વિરુદ્ધ જીતેલ આર્બિસ્ટ્રેશન એવોર્ડના 1.26 બિલિયન ડોલરની ચુકવણી કરે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
કેઈર્ન એનર્જીએ ન્યુયોર્કના સધર્ન ડિસ્ટ્રીકટની જિલ્લા અદાલતમાં દાખલ કરેલ કેસમાં કહ્યું છે કે એર ઇન્ડિયા પર ભારત સરકારની નિયંત્રણ છે. તેવામાં અદાલતે આર્બિસ્ટ્રેશનના ફેંસલાને પૂર્ણ કરવાની જવાબદારી એરલાઇન્સ કંપની પર નાંખવી જોઈએ.
ત્રણ સભ્યો ધરાવતી ઇન્ટરનેશનલ આર્બિસ્ટ્રેશન કોર્ટે ડિસેમ્બરમાં સર્વસંમતી કેઈર્ન પર પશ્ચાતવર્તી અસરથી લગાવવામાં આવેલ ટેક્સને ફગાવી દીધા હતા અને સરકારને કંપનીના વેચવામાં આવેલ શેર,જપ્ત ડિવિડન્ડ અને ટેક્સ રિફંડ પરત કરવાનો આદેશ આપ્યો હતો. આ પ્રક્રિયામાં ભારત તરફથી નિયુક્ત જજ પણ સામેલ હતા. જોકે ભારત સરકારે ચાર વર્ષ દરમિયાન આર્બિસ્ટ્રેશન પ્રક્રિયામાં હિસ્સો લીધો હતો પરંતુ આ આદેશને માનવાનો ઇન્કાર કરીને નેધરલેન્ડની કોર્ટમાં તેને રદ કરવાની અરજી દાખલ કરી છે. કેઈર્ને જણાવ્યું હતું કે તે આ આદેશ હેઠળ એર ઇન્ડિયા જેવા જાહેર સાહસ પાસેથી વસૂલી કરશે. બીજી તરફ સરકારે કહ્યું હતું કે તે આ પ્રકારના કોઈપણ પગલાંનો વિરોધ કરશે. સૂત્રોના જણાવ્યાં અનુસાર એર ઇન્ડિયા પાસે કેઈર્નના કોર્ટને કેસ પડકારવા માટે જુલાઈ મધ્ય સુધીનો સમય છે.