ભારતમાં 2020માં 64 બિલિયન ડોલરનું સીધું વિદેશી રોકાણ (એફડીઆઇ) આવ્યું હતું, જે વિશ્વમાં પાંચમાં ક્રમે સૌથી વધુ નાણાપ્રવાહ છે, એમ યુએનના એક અહેવાલમાં જણાવાયું છે.
આ અહેવાલમાં જણાવાયું હતું કે કોરોનાની બીજી લહેરથી આર્થિક પ્રવૃત્તિને ફટકો પડ્યો છે, પરંતુ મજબૂત ફંડામેન્ટલને કારણે મધ્યમ ગાળા માટે આશાવાદ ઊભો કરે છે. સોમવારે યુએન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD), દ્વારા જારી કરાયેલા વર્લ્ડ ઇન્વેસ્ટેન્ટ રિપોર્ટ 2021 મુજબ વૈશ્વિક એફડીઆઇ પ્રવાહને મહામારીથી તીવ્ર અસર થઈ છે અને તે 2020માં 35 ટકા ઘટીને એક ટ્રિલિયન ડોલર થયું હતું, જે અગાઉના વર્ષે 1.5 ટ્રિલિયન ડોલર હતું.
ભારતમાં 2020માં એફડીઆઇ 27 ટકા વધીને 64 બિલિયન ડોલર થયું હતું, જે 2019માં 51 બિલિયન ડોલર હતું. અહેવાલમાં જણાવાયું હતું કે સાઉથ એશિયામાં એફડીઆઇ પ્રવાહ 20 ટકા વધીને 71 બિલિયન ડોલર થયો હતો. ચીનમાં 2020 દરમિયાન એફડીઆઇ 6 ટકા વધીને 149 બિલિયન ડોલર થયું હતું. ભારત અને ચીન જેવા એશિયાના વિકાસશીલ દેશોમાં એફડીઆઇ વધ્યું હતું, પરંતુ બાકીના દેશોમાં ઘટયું હતું. જોકે 2021માં એશિયામાં વિદેશી નાણાપ્રવાહમાં વધારો થવાની ધારણા છે.