ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો મુકવાના અને મનસુખ હિરેનની હત્યાના કેસમાં હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ ગુરુવારે મુંબઈ પોલીસના ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અને હવે શિવસેનાના નેતા પ્રદીપ શર્માની ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો છે.
25 ફેબ્રુઆરીએ મુકેશ અંબાણીના એન્ટિલિયા નિવાસસ્થાનની બહારથી વિસ્ફોટકો ભરેલી જીપ મળ્યા બાદ આ જીપના મૂળ માલિક મનસુખ હિરેનનું શંકાસ્પદ મોત થયું હતું અને ત્યારથી આ કેસ આખા દેશમાં ચર્ચાનો વિષય બનેલો છે
એનઆઈએ પ્રદીપ શર્માના ઘરે દરોડા પાડીને તેમની કલાકો સુધી પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી પ્રદીપ શર્મા એજન્સીના શંકાના દાયરામાં હતા પણ તેમની સામે એજન્સી પાસે પૂરતા પૂરાવા નહોતા. હવે પૂરાવા મળ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.
સચિન વાજે સામે એન્ટિલિયા કેસના મુખ્ય સુત્રધાર હોવાનો આરોપ મુકાયેલો છે. સચિન વાજેની 15 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી.એ પછી પૂછપરછમાં વાજેએ સંખ્યાબંધ ખુલાસા કર્યા હતા.પ્રદીપ શર્મા અને સચિન વાજે એક બીજાની નજીક હોવાનું માનવામાં આવે છે.
પ્રદીપ શર્મા 1983ની આઈપીએસ બેચના ઓફિસર છે. મુંબઈમાં તેઓ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા થયા હતા.છોટા રાજન ગેંગના લખન ભૈયાનુ બોગસ એન્કાઉન્ટર કરવાનો આરોપ પણ તેમના પર લાગ્યો હતો.પોલીસે આ મામલામાં તેમને સસ્પેન્ડ કર્યા હતા. એ પછી જોકે કોર્ટે તેમને નિર્દોષ છોડ્યા હતા.2019માં શિવસેનાની ટિકિટ પર તેઓ ચૂંટણી પણ લડયા હતા.