કોરોનાની મહામારી હોવા છતાં ગુજરાત સહિત સમગ્ર ભારતની યુનિવર્સિટીઓમાં વિવિધ કોર્સમાં અભ્યાસ માટે ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ હેઠળ મોટા પ્રમાણમાં વિદેશી વિદ્યાર્થીઓની અરજી આવી છે. આ વર્ષે માત્ર ગુજરાત માટે જ સૌ પ્રથમવાર ૬,૩૦૦થી વધુ અરજીઓ આવી છે અને જે ગયા વર્ષ કરતા ત્રણી વધારે છે. ૬,૩૫૫ અરજીમાંથી ૨,૨૦૪ વિદ્યાર્થીની અરજી ૧૫ જુન સુધી કન્ફર્મ થઈ છે. અમદાવાદ ખાતેની ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને સૌથી વધુ રસ પડ્યો છે.
ભારતના વિવિધ રાજ્યોમાં ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે આઈસીસીઆરની સ્કોલરશિપ હેઠળ આ વર્ષે સૌથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરી છે અને સૌથી વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ અત્યાર સુધીમા કન્ફર્મ થયા છે.
આ અંગે આઈસીસીઆરની ગુજરાત ખાતેની રિજનલ ઓફિસના ડિરેકટર જિગર ઈમાનદારે જણાવ્યું હતું કે આ વર્ષે સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ નોંધાયા છે. અગાઉ ગુજરાત માટે માત્ર ૧૫૦ જેટલી અરજી આવતી ત્યારે હવે ૬,000થી વધુ અરજીઓ આવી રહી છે.
ગુજરાતમાં સૌથી વધુ વિદ્યાર્થી અફઘાનિસ્તાન, ત્યારબાદ બાંગ્લાદેશ અને ત્રીજા નંબરે સાઉથ આફ્રિકામાંથી આવે છે. દેશમાં હાલ આઈસીસીઆરની ૧૯ રિજનલ ઓફિસો છે. જેમાં ગુજરાતની ઓફિસ ફોરેન સ્ટુડન્ટસ એપ્લિકેશનની દ્રષ્ટિએ ૨૦૧૬માં ૯મા ક્રમે હતી, જે હવે ત્રીજા નંબરે આવી ગઈ છે.
ગુજરાતની વિવિધ ૧૩ સંસ્થાઓ માટે અરજી આવી હતી.સૌથી વધુ ગુજરાત યુનિવર્સિટી માટે ૨,૬૬૦ અરજી આવી હતી અને જેમાંથી ૮૦૬ અરજી કન્ફર્મ થઈ છે. જ્યારે બીજા નંબરે જીટીયુ માટે ૧,૨૪૦ વિદ્યાર્થીની અરજી આવી હતી અને જેમાંથી ૭૨૨ અરજી કન્ફર્મ થઈ છે. એમ.એસ.યુનિવર્સિટીમાં ૩૬૫, આઈઆઈટી ગાંધીનગર માટે ૪, સેન્ટ્રલ યુનિ.ઓફ ગુજરાત માટે ૧૧ ,નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિ.માટે ૧૧૬, ઉત્તર ગુજરાત યુનિ.માટે ૧૮, સરદાર પટેલ યુનિ. માટે ૫૫ અને સાઉથ ગુજરાત યુનિ.(વીર નર્મદ યુનિ.) માટે ૧૦૭ વિદ્યાર્થીઓની વિવિધ કોર્સમાં પ્રવેશ માટેની અરજી કન્ફર્મ થઈ છે. દક્ષિણ ગુજરાત યુનિ.માટે પણ આ વર્ષે હાઈએસ્ટ ૨૭૬ અરજી આવી હતી.