ભારત બાયોટેકની કોરોના વેક્સીનના ઉત્પાદનમાં ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ થતો હોવાના એક કોંગ્રેસી નેતાના દાવાથી બુધવારે વિવાદ ઊભો થયો હતો. જોકે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે આ અંગે તથ્થોને તોડી મરોડીને તેનું ખોટુ અર્થઘટન કરવામાં આવ્યું છે.
કોંગ્રેસી નેતા ગૌરવ પાંધીએ દાવો કર્યો હતો કે કોવેક્સિન બનાવવા માટે ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ દાવો તેમણે એક આરટીઆઈમાં મળેલા જવાબના આધાર પર કર્યો છે. ભારત બાયોટેક પણ પોતાના તરફથી સ્પષ્ટતા કરવી પડી હતી.
કોંગ્રેસના નેતા ગૌરવ પાંધીનું કહેવું છે કે, કોવેક્સિનમાં 20 દિવસ કરતાં ઓછી ઉંમર ધરાવતા ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. જો એવું હોય તો સરકારે પહેલેથી આ અંગે જાણકારી શા માટે ન આપી, કારણ કે તેનાથી ધાર્મિક લાગણી દુભાઈ શકે છે.
ભારત બાયોટેકે સ્પષ્ટતા કરી હતી કે વાયરલ વેક્સિનના નિર્માણ માટે ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ સેલ્સના ગ્રોથ માટે થાય છે, પરંતુ SARS CoV2 વાયરસના ગ્રોથ કે ફાઈનલ ફોર્મ્યુલામાં તેનો ઉપયોગ નથી થયો.
ભારત બાયોટેકના કહેવા પ્રમાણે કોવેક્સિન સંપૂર્ણપણે શુદ્ધ વેક્સિન છે, જેને તમામ અશુદ્ધિઓ દૂર કરીને તૈયાર કરવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં અનેક દશકાઓથી વેક્સિન નિર્માણ માટે વાંછરડાઓના સીરમનો ઉપયોગ થઈ રહ્યો છે. છેલ્લા આશરે 9 મહિનાથી આ અંગે સાર્વજનિક પ્લેટફોર્મ પર જાણકારી આપી દેવાઈ છે.