કોવેન્ટ્રી શહેરને યુકેના સિટી ઑફ કલ્ચર 2021નું બિરૂદ મળ્યા બાદ કોવેન્ટ્રી ગયેલા પ્રિન્સ ચાર્લ્સે ભારતમાં કોવિડ-19 દ્વારા અસર પામેલા લોકોની સહાય માટે ભંડોળ એકત્ર કરવા બદલ કોવેન્ટ્રીમાં ભારતીય સમુદાયની પ્રશંસા કરી છે.
કવેન્ટ્રીની મુલાકાત દરમિયાન પ્રિન્સ તા. 25ના રોજ ભારતીય ડાયસ્પોરાના સભ્યોને મળેલા પ્રિન્સ ઓફ વેલ્સે જણાવ્યું હતું કે “મને ખૂબ જ ગર્વ છે કે તમે અને તમારી ઉદારતાએ, ભારતમાં આવા અતિ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલા લોકોને મદદ કરવા યુકેમાં ઘણું કર્યું છે. અહીં યુકેમાં ભારતીય ડાયસ્પોરાના લગભગ દરેક સભ્ય કોઈને કોઇ અસરગ્રસ્ત જાણે છે. તેથી, હું તેમની વેદના સમજી શકું છું. સ્પષ્ટ છે કે, હજી વધુ સારું કામ કરવામાં મદદ માટે ટેકો પૂરો પાડવા અને ચોક્કસપણે ઘણું વધારે કરવાની જરૂર છે.”
પ્રિન્સે ઉપસ્થિત ભારતીય સમુદાયના અગ્રણીઓ સાથે પણ વાતચીત કરી હતી જેમના ઉપખંડમાં રહેતા મિત્રો અને સંબંધીઓને ભારતમાં રોગચાળાથી સીધી અસર થઈ છે. તેમણે આ તબક્કે બ્રિટીશ એશિયન ટ્રસ્ટના ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ ભારત મોકલવાના કાર્યની નોંધ લઇ તેને ભારત પહોંચાડવાની ખાતરી આપી હતી.
ટ્રસ્ટની ‘ઓક્સિજન ફોર ઈન્ડિયા’ અપીલ અંતર્ગત ભારતના 2,000 ગામોમાં તબીબી પુરવઠો અને ટેલિમેડિકલ લિંક્સ ઉપરાંત 4835 ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ અને બે ઓક્સિજન જનરેટર આપવા માટે £4 મિલિયનનું ભંડોળ ઉભું એકત્ર કરાયું છે.
ડચેસ ઑફ કોર્નવોલની સાથે, પ્રિન્સ ચાર્લ્સે શહેરના કવેન્ટ્રી કેથેડ્રલ, કવેન્ટ્રી સેન્ટ્રલ લાઇબ્રેરી અને કોવેન્ટ્રી કેનાલ સહિત સ્થાનિક લેન્ડમાર્ક્સની મુલાકાત લીધી હતી.