બીબીસી ન્યૂઝનાઇટના પોલિટિકલ એડિટર નિકોલસ વોટનો લોકડાઉન વિરોધી ટોળાએ પીછો કરી તેઓ ડાઉનિંગ સ્ટ્રીટમાં નાસી ન જાય ત્યાં સુધી ‘દેશદ્રોહી’, ‘સ્લમ’ અને ‘જુઠ્ઠા’ કહીને સોમવારે બપોરે ધક્કે ચઢાવતા વ્યાપક રોષ ફેલાયો છે. લગભગ બે મિનિટ સુધી પત્રકાર વોટને ઘેરીને વિરોધીઓએ બૂમબરાડા પાડી ત્રાસ આપ્યો હતો.
મંગળવારે બપોરે, હાર્પેંન્ડેનના 57 વર્ષના માર્ટિન હોકરીજની અટકાયત કરી હર્ટફર્ડશાયર પોલીસ સ્ટેશનમાં કોશન હેઠળ ઇન્ટરવ્યુ લેવાયો હતો. પછીથી તે જ સાંજે, તેના પર પબ્લિક ઓર્ડર એક્ટની કલમ 4 એ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. તેને 29 જૂન, મંગળવારે વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટસ કોર્ટમાં હાજર રહેવા જણાવાયું છે.
વડા પ્રધાન બોરીસ જોન્સન અને હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે વિરોધીઓના ‘ભયાવહ’ વર્તનને વખોડી કાઢી આકરી નિંદા કરી હતી.
વિડિઓ ફૂટેજમાં ન્યુઝનાઇટના નિકોલસ વોટને લોકોના ટોળામાંથી બચવા માટે દોડી રહેલા અને ડાઉનિંગ સ્ટ્રીટ નજીક પોલીસની લાઇન પાછળ કવર માટે ભાગતા બતાવાયા હતા. ત્યાંથી તેઓ ડાઉનિંગ સ્ટ્રીટમાં ધસી ગયા હતા. વિરોધીઓએ કરેલા દુર્વ્યવહારની બીબીસીએ નિંદા કરી હતી.
વડા પ્રધાનના સત્તાવાર પ્રવક્તાએ કહ્યું હતું કે ‘આ ફૂટેજ ખલેલ પહોંચાડે છે. પત્રકારોએ ક્યારેય આ પ્રકારના વર્તનનો સામનો કરવો જોઇએ નહીં. લોકશાહીમાં વિરોધનો અધિકાર મૂળભૂત હોઈ શકે છે પરંતુ હિંસા અને ધમકીઓ કદી સ્વીકાર્ય નથી.’ વિવિધ પત્રકારોએ આ હુમલાને વખોડી કાઢ્યો હતો.