નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ રિસર્ચ (NIHR) ક્લિનિકલ રિસર્ચ નેટવર્કમાં બિઝનેસ ડેવલપમેન્ટ અને માર્કેટિંગ ડિરેક્ટર તરીકે સેવા આપતાં દિવ્યા ચઢ્ઢા – માણેકને મહારાણીના જન્મદિવસ પ્રંસગે કોવિડ-19 રીસ્પોન્સ દરમિયાન સરકારને સેવાઓ આપવા બદલ OBE એનાયત કરવામાં આવ્યો છે.
ભારતમાં જન્મેલા અને ઉછરેલા તથા 18 વર્ષની ઉંમરે યુકે આવેલી દિવ્યાએ 2007માં NIHR સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી અને વિવિધ ભૂમિકાઓ પર 14 વર્ષથી વધુ સમય માટે ક્લિનિકલ રિસર્ચમાં કામ કર્યું છે. આ સમયગાળા દરમિયાન, દિવ્યાએ ગ્લોબલ લાઇફ સાયન્સ ઇન્ડસ્ટ્રી સાથે સંબંધો બનાવીને એનએચએસમાં ક્લિનિકલ સંશોધનનું પ્રમાણ વધારવાનો સફળ ટ્રેક રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
કોવિડ-19 રોગચાળાના પ્રતિસાદમાં માર્ચ 2020માં દિવ્યાને યુકે કોવિડ-19 વેક્સીન ક્લિનિકલ ટ્રાયલ્સ પોર્ટફોલિયોના નિરીક્ષણ માટે જવાબદાર ક્લિનિકલ ટ્રાયલ્સ લીડ તરીકે સરકારના વેક્સીન ટાસ્કફોર્સ (વીટીએફ)ની જવાબદારી સોંપવામાં આપવામાં આવી હતી. પોતાની કુશળતા અને સંપર્કો થકી દિવ્યાએ તે કામ પાર પાડ્યું હતું અને લોકોએ મોટા પાયે રસીના સંશોધનમાં ભાગ લીધો હતો.
દિવ્યાએ કહ્યું હતું કે “યુકેની કોવિડ-19ની રસીમાં ફાળો આપવા બદલ મને OBE એનાયત કરાયું તે બદલ ગર્વની લાગણી અનુભવું છું. આ સન્માન ફક્ત મારૂ નહિં પણ છેલ્લાં એક વર્ષથી આ કાર્યમાં સામેલ થયેલા દરેક વતી તેને સ્વીકારું છું. એનએચએસ અને NIHRમાંના મારા બધા સાથીદારોનો તેમાં સહયોગ રહેલો છે.”
દિવ્યા શરૂઆતમાં ભારત વતી સ્વિમિંગમાં દેશનું પ્રતિનિધિત્વ કરતી હતી અને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ ભારત વતી ભાગ લીધો હતો.