રવિવારે (13 જુન) પુરી થયેલી ફ્રેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધામાં સર્બિયાના ટેનિસ સ્ટાર યોકોવિચે પોતાના ગ્રીક હરીફ સિત્સિપાસને પાંચ સેટના મુકાબલામાં હરાવી પોતાનું બીજું ફ્રેન્ચ ઓપન ટાઈટલ હાંસલ કર્યું હતું. આ સાથે, તેણે ચારેય ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધાઓના ટાઈટલ બે વખત કે તેથી વધુ હાંસલ કરવાનો 52 વર્ષનો વિશિષ્ટ રેકોર્ડ પણ સ્થાપ્યો છે.
આ તેનું કારકિર્દીનું 19મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ હતુ. હવે તે સૌથી વધુ 20-20 ગ્રાન્ડ સ્લેમ જીતવાના ફેડરર-નડાલના રેકોર્ડની બરાબરીથી હવે એક જ ટાઈટલ દૂર છે.
સેમિ ફાઈનલની જેમ જ યોકોવિચને ફાઈનલમાં પણ બરોબર 4 કલાક અને 11 મિનિટના મેરેથોન સંઘર્ષ પછી સફળતા મળી હતી. 22 વર્ષના સિત્સિપાસ સામે ફ્રેન્ચ ઓપનની ફાઈનલ રમવા ઉતરેલા 34 વર્ષના યોકોવિચની શરૂઆત નબળી રહી હતી, પહેલા બે સેટ્સ તો એ હારી ગયો હતો.