ભારતની અગ્રણી આઇટી કંપની ઇન્ફોસીસના સહ-સ્થાપક એન. આર. નારાયણમૂર્તિ અને એમેઝોન.કોમની સંયુક્ત માલિકીની ઓનલાઇન રીટેલ કંપની કલાઉડટેલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પાસેથી બ્રિટનના ટેક્સ સત્તાવાળાએ વ્યાજ અને દંડ સહિત 5.5 મિલિયન પાઉન્ડના લેણાની માંગણી કરી છે. આ કંપનીએ છેલ્લાં ચાર વર્ષમાં “મામૂલી” ટેક્સ ભર્યા બાદ ટેક્સ સત્તાવાળાએ આ નોટિસ આપી હોવાનું સોમવારે (14 જુન) મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
આ અહેવાલોને પગલે બ્રિટનના નાણાં પ્રધાન રીશી સુનકના કાર્યાલયને નિવેદન આપવાની ફરજ પડી છે. રીશી સુનક નારાયણમૂર્તિના જમાઇ છે.
મીડિયાના અહેવાલ અનુસાર એમેઝોને કથિત રીતે કલાઉડટેલ જેવા સ્વતંત્ર વિક્રેતાઓને સ્પેશિયલ મર્ચન્ટનો દરજજો આપ્યો છે. 2019 સુધીમાં કુલ વેચાણમાં તેનો હિસ્સો 35 ટકા હતો.
નારાયણ મૂર્તિની કંપની કેટામારાન વેન્ચર્સ કલાઉડટેલમાં 76 ટકા હિસ્સો ધરાવે છે, તો એમેઝોન તેમાં 24 ટકા હિસ્સો ધરાવે છે, પરંતુ કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ અને ફાયનાન્સ ડાયરેક્ટર જેવા બે ટોચના હોદ્દા એમેઝોન પાસે છે. કલાઉડટેલની હોલ્ડિંગ કંપની પ્રાયોનીનું સંચાલન પણ એમેઝોનના ભૂતપૂર્વ મેનેજર કરી રહ્યાં છે, એમ ‘ધી ગાર્ડિયન’ના અહેવાલમાં જણાવાયું હતું.
એ અહેવાલ મુજબ હાલમાં એ સ્પષ્ટ થયું નથી કે ટેક્સ વિવાદ ક્યા કેસ સાથે સંકળાયેલો છે. કંપનીએ જણાવ્યું છે કે તે આવકવેરા વિભાગની 55 લાખ પાઉન્ડની માગણીનો વિરોધ કરશે. જો કે આ કેસ કોર્ટમાં ચાલતો હોવાથી આ અંગે વધુ ટીપ્પણી કરી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા જ સુનકના નેતૃત્ત્વમાં વિકસિત જી 7 દેશોના નાણાપ્રધાનો સંમત થયા હતાં કે ટેકનોલોજી કંપનીઓએ વધુ ટેક્સ ચૂકવવો જોઇએ.
નાણાપ્રધાન રીશી સુનકના કાર્યાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચાન્સેલર હોદ્દા પર આવ્યા ત્યારથી તેઓ મોટી ડિજિટલ કંપનીઓ પર કેવી રીતે ટેક્સ નાંખવો તે અંગેની આંતરરાષ્ટ્રીય સમજૂતીને પ્રાધાન્ય આપી રહ્યાં છે. ચાન્સેલર માને છે કે ટેક્સ ક્યાં ચૂકવવામાં આવ્યો તે મહત્ત્વનું છે અને કોઇ પણ સમજૂતીમાં સુનિશ્ચિત હોવું જોઇએ કે ડિજિટલ બિઝનેસ યુકેમાં એટલો ટેક્સ ચૂકવે જેટલી તેમની આર્થિક પ્રવૃત્તિ દર્શાવે છે. આપણા કરદાતા આવી અપેક્ષા રાખે છે અને તે યોગ્ય છે.
સુનક યુકેના સૌથી ધનિક પ્રધાન મનાય છે, તેનું મુખ્ય કારણ પત્ની અક્ષતા મૂર્તિના પરિવારની સંપત્તિ છે. ગાર્ડિયનના રીપોર્ટના દાવા મુજબ ક્લાઉડટેલના એકાઉન્ટ અને એક્ટિવિટીના વિશ્લેષણમાં જણાય છે કે તેનો એમેઝોન. ઇનના સૌથી મોટા સેલર્સમાં સમાવેશ થાય છે.
અહેવાલમાં દાવો કરાયો હતો કે માત્ર એમેઝોન પ્લેટફોર્મ મારફત વેચાણ કરતી ક્લાઉડટેલે ગયા વર્ષે એમેઝોનને 95 મિલિયન પાઉન્ડની ફી ચૂકવી હતી, જે ભારતીય બિઝનેસના નફા કરતાં આશરે 10 ગણી વધારે છે. મૂર્તિએ વેન્ચર કેપિટલ કંપની કેટામરાનની રચના કરી હતી, જે ક્લાઉડટેલમાં હિસ્સો ધરાવે છે અને તેનો લાભાર્થી મૂર્તિ પરિવાર છે.