ભારતમાં મંગળવારે કોરોનાના 60,471 નવા કેસ નોંધાયા હતા, જે 75 દિવસના સૌથી ઓછા છે. એક દિવસમાં 2,726 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 3,77,031 થયો હતો. નવા કેસમાં સતત ઘટાડો અને સાજા થનારા દર્દીઓની સંખ્યા મોટી હોવાથી એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને આશરે 2.75 કરોડ થઈ હતી.
આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે જારી કરેલા ડેટા અનુસાર છેલ્લાં 24 કલાકમાં દેશમાં 1,17,525 દર્દીઓએ કોરોનાને હરાવ્યો હતો. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 9,13,378 થઈ ગઈ હતી, જે કુલ કેસના આશરે 3.09 ટકા છે. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 2,82,80,472 પર પહોંચી હતી. દેશમાં સતત 33માં દિવસે નવા કેસ કરતાં રિકવર થયેલા કેસની સંખ્યા વધુ રહી હતી. દેશમાં કોરોનાનો મૃત્યુદર વધીને 1.28 ટકા થયો હતો. કોરોનાનો રાષ્ટ્રીય રિકવરી રેટ સુધરીને 95.64 ટકા થયો હતો. ડેઇલી પોઝિટિવિટી રેટ ઘટીને 3.45 ટકા થયો હતો. આ રેટ છેલ્લાં આઠ દિવસથી પાંચ ટકાથી નીચો છે.
16 જાન્યુઆરીએ દેશમાં કોરોના સામે લડવા માટે રસી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં આજે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં 25,90,44,072 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે 13 જૂન સુધીમાં કુલ 38,13,75,984 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી સોમવારે 17,51,358 સેમ્પલ લેવામાં આવ્યા હતા.
દેશમાં કુલ 2,726 મોતમાંથી મહારાષ્ટ્રમાં 1,592, તમિલનાડુમાં 254, કેરળમાં 161 અને કર્ણાટકમાં 120ના મોતનો સમાવેશ થાય છે.