ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડાની સાથે રાજકીય ગતિવિધી તેજ બની હતી. ભાજપના ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવે શુક્રવારે ભાજપના નેતા સાથે અલગ-અલગ બેઠક યોજી હતી. તેનાથી 2022માં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં સંભવિત ફેરફારોની અટકળોને વેગ મળ્યો હતો. અગાઉ ભાજપના ટોચના નેતાઓની પણ બેઠક યોજાઈ હતી.
ભાજપના નેતાઓએ બેઠકોના આ દોર અંગેની ચુપકીદી સેવી હતી, પરંતું સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન વિજયભાઇ રુપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના વડપણ હેઠળની ભાજપ સરકારની કામગીરી અંગે રાજ્યના નેતાઓ પાસેથી અભિપ્રાય મેળવ્યા હતા. ભાજપના આ રાષ્ટ્રીય નેતાએ ગુજરાત ભાજપના વડા સી આર પાટીલના નેતૃત્વ અંગે અભિપ્રાય મેળવ્યા હોવાનું માનવામાં આવે છે.
શનિવારે ભુપેન્દ્ર યાદવે ગોરધન ઝડફિયા, એમ એસ પટેલ, શંકર ચૌધરી, આઇ કે જાડેજા, ભાર્ગવ ભટ્ટ, પ્રદીપસિંહ જાડેજા અને કેટલાંક ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક કરી હોવાનું માનવામાં આવે છે. યાદવની નેતાઓ સાથે અલગ-અલગ બેઠકથી રાજ્યના સંગઠનમાં મોટા ફેરફાર અંગેની અટકળો વધી હતી. 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રધાનમંડળમાં સંભવિત પુનર્ગઠનની પણ અટકળોને વેગ મળ્યો હતો.
ખોડલધામમાં પાટીદાર આગેવાનીની બેઠક
બીજી તરફ શનિવારે પાંચ પાટીદાર સંગઠનોની ખોડલધામના કાગવડ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાટીદાર આગેવાનોએ કડવા પાટીદાર અને લેઉઆ પાટીદાર વચ્ચેની અલગ ઓળખને દૂર કરીને માત્ર પાટીદારના એક મંચ હેઠળ સાથે મળીને કામ કરવાનો નિર્ણય કર્યો હતો.
ખોડલધામ રાજકોટથી આશરે 65 કિમી દૂર આવેલું ખોડિયાલ માતાનું સૌથી મોટું મંદિર છે અને તેને ગુજરાતમાં લેઉઆ પાટીદારોનું હેડક્વાર્ટર માનવામાં આવે છે. થોડા મહિના પહેલા કડવા પાટીદાર સમાજના હેડક્વાર્ટર ગણાતા ઊંઝાના ઉમિયાધામ ખાતે પણ આગેવાનોની બેઠક યોજાઈ હતી.
ખોડલધામ ખાતેની બેઠકમાં પાટીદાર નેતા નરેશ પટેલે પાટીદાર સમાજમાંથી નવા મુખ્યપ્રધાન બને તેવી ઇચ્છા આડકતરી રીતે વ્યક્ત કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે પાટીદાર સમાજ ઘણો મોટો છે અને સમાજના નેતાઓને રાજકીય અને વહીવટી રીતે વધુ મહત્ત્વ મળે તે માટે બેઠક યોજાઈ હતી. પાટીદાર નેતાઓએ આમ આદમી પાર્ટીના વખાણ કર્યા હતા. પાટીદાર નેતાઓના આ નિવેદનને એવો સંકેત માનવામાં આવે છે કે તેઓ રાજ્યમાં ત્રીજા મોરચાને સમર્થન આપી શકે છે.