ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું ગુરુવારે વિધિવત આગમન થયું હતું. ગુજરાતમાં અગાઉ ૧૫ જૂન બાદ ચોમાસાની આગમનની આગાહી કરવામાં આવી હતી. પરંતુ તેનાથી સાત દિવસ અગાઉ જ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે.
ચોમાસાએ ગુરુવારે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. આગામી ૩૦ જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું સક્રિય થઇ જશે. હવામાન વિભાગ દ્વારા આગામી ૧૦, ૧૩, ૧૪ જૂનના વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ એન્ટ્રી કરતાં વલસાડ જિલ્લાના કપરાડામાં દિવસ દરમિયાન ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે દાદરાનગર હવેલી વિસ્તારમાં ૪ ઇંચ જેટલો વરસાદ થયો હતો. હવાામાન વિભાગે જણાવ્યું છે કે, ૧૦-૧૧ જૂનના વલસાડ, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, તાપીમાં જ્યારે ૧૨થી ૧૫ જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત ઉપરાંત ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, બોટાદ, દીવ, અમદાવાદ, આણંદમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં સામાન્ય રીતે જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસાનો પ્રારંભ થતો હોય છે. જેના સ્થાને આ વખતે ચોમાસાની વિધિવત્ પધરામણી વહેલી થઇ ગઇ છે. ગુજરાતમાં ગત વર્ષે ૨૧ જૂનથી ચોમાસાએ પ્રવેશ કર્યો હતો. હવામાન વિભાગના અંદાજ મુજબ ગુજરાતમાં આ વખતે ૧૦૩%થી ૧૦૫% સુધી વરસાદ પડી શકે છે. છેલ્લા બે વર્ષથી ગુજરાતમા સરેરાશ વરસાદ ૪૦ ઈંચથી વધારે નોંધાય છે.