ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં બુધવારે ચોમાસાનું ધમાકેદાર આગમન થયું હતું. મંગળવાર રાત્રીથી પડેલા ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે મુંબઈમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યો હતો. આગામી ચારથી પાંચ દિવસ માટે યલો એલર્ટ પણ જારી કરાયો હતો.
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર મુંબઈમાં ચોમાસુ એક દિવસ વહેલું આવી પહોંચ્યું છે. બુધવારે સવારે સાડા આઠ વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતા. ભારે વરસાદ બાદ દરિયામાં તોફાની મોજાં તેમજ હાઈ ટાઈડની શક્યતા હોવાથી લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવાની સલાહ અપાઈ છે.
મુશળધાર વરસાદને કારણે મુંબઈના સાયન, ગાંધી બજાર, એન્ટોપ હિલ, માનખુર્દ રેલવે સ્ટેશન જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે કુર્લા અને સીએસટી વચ્ચેની લોકલ ટ્રેન સર્વિસને કુર્લા અને સાયન વચ્ચે ટ્રેક પર પાણી ભરાઈ જતાં અટકાવવાની ફરજ પડી હતી. સતત બે દિવસ સુધી વરસાદને કારણે મુંબઈના લોકોને કાળઝાળ ગરમી અને બફારાથી પણ રાહત મળી હતી.
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, શહેરમાં હવે સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે. બીજી તરફ, પહેલા જ વરસાદમાં શહેરના નેતાજી પાલકર ચોક, એસ.વી. રોડ બહેરામબાગ જંકશન, સક્કર પંચાયત ચોક, નીલમ જંક્શન, ગોવાંડી, હિંદમાતા જંક્શન, ઈકબાલ કમાણી જંક્શન, ધારાવી રેસ્ટોરાં, ધારાવી, સાયન જંક્શન, કિંગ સર્કલમાં પાણી ભરાઈ ગયા હોવાથી ટ્રાફિક મૂવમેન્ટ પર અસર પડી હતી.
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, મુંબઈ ઉપરાંત રાયગઢ, થાણે, પાલઘર, પુણે, નાશીક તેમજ મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.