કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની નજીકના ગણાતા કોંગ્રેસના યુવા નેતા જિતિન પ્રસાદ બુધવારે ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસને ફટકો પડ્યો હતો. જિતિન પ્રસાદ ઉત્તરપ્રદેશના છે અને આગામી વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે.
દિલ્હી સ્થિત BJP કાર્યાલયમાં કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે તેમને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું હતું. આ પહેલાં જિતિન પ્રસાદે ગૃહપ્રધાન અમિત શાહ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. પાર્ટીના સભ્ય બન્યાં પછી જિતિને કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે હવે માત્ર BJP જ દેશહિતમાં કામ કરનારી પાર્ટી છે, બાકીની પાર્ટીઓ વ્યક્તિ વિશેષ છે.
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જિતિન પ્રસાદ કોંગ્રેસ નેતૃત્વથી ખુશ નહોતા. જિતિનને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડાએ પાર્ટીમાં આવકાર્ય કર્યા હતા.
જિતિન પ્રસાદનું નામ એવા યુવા નેતાઓમાં લેવામાં આવે છે જેમને રાહુલ ગાંધીના અત્યંત નજીકના માનવામાં આવે છે. કોંગ્રેસ માટે આ એક મોટો ઝાટકો છે કારણકે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાસે ગણતરીના જ ચહેરા બાકી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે. આ ચૂંટણી માટે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી સતત કામ કરી રહ્યા છે. ચૂંટણી પહેલા જિતિને કોંગ્રેસ છોડીને રાહુલ અને પ્રિયંકા ગાંધીની ચિંતામાં વધારો કર્યો છે. અગાઉ જિતિન પ્રસાદ સહિતના 23 નેતાઓ કોંગ્રેસના નેતૃત્વમાં બદલાવ અને તેને વધારે ગતિશીલ બનાવવા માટે હાઇ કમાન્ડને પત્ર લખ્યો હતો.