મહારાણી એલિઝાબેથ અને શાહી પરિવારે અમેરિકા સ્થિત દંપતી પ્રિન્સ હેરી અને મેગન માર્કલને તેમની પુત્રીના જન્મ માટે અભિનંદન આપ્યા છે. દિકરીનું નામ મહારાણીના હુલામણા નામ લીલીબેટ અને સ્વર્ગસ્થ પ્રિન્સેસ ડાયનાના નામ પરથી ‘લીલીબેટ ‘લીલી’ ડાયના માઉન્ટબેટન-વિન્ડસર’ રાખવામાં આવ્યું છે. પ્રિન્સ હેરી અને મેગનનું આ બીજું સંતાન છે અને તેમને આર્ચી હેરિસન માઉન્ટબેટન-વિન્ડસર નામનો બે વર્ષનો પુત્ર છે. તેમની પુત્રી શાહી પરિવારની 11મી પ્ર-પૌત્રી હશે.
બકીંગહામ પેલેસે રવિવાર તા. 6ના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘’તા. 4 શુક્રવારે લોસ એન્જલસમાં ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સને ત્યાં દિકરીના જન્મના સમાચારથી શાહી પરિવારના સદસ્યો આનંદિત થયા હતા. લીલીબેટ ડાયનાના જન્મ પર ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સને અભિનંદન. ધ ક્વીન, પ્રિન્સ ઑફ વેલ્સ (ચાર્લ્સ) અને ડચેસ ઑફ કોર્નવૉલ (કેમિલા) અને ડ્યુક અને ડચેસ ઑફ કેમ્બ્રિજ (વિલિયમ અને કેટ મિડલટન) આ સમાચારથી આનંદિત છે.” ડ્યુક વિલિયમ અને કેટે તેમના કેન્સિંગ્ટન પેલેસ ટ્વિટર એકાઉન્ટથી અલગથી ટ્વિટ કરીને કહ્યું કે: “બાળક લીલીના આગમનના ખુશખબરથી અમે બધા ખુશ થયા છીએ. હેરી, મેગન અને આર્ચીને અભિનંદન.”
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને પણ ટ્વિટર દ્વારા સદભાવના સંદેશ મોકલતા કહ્યું હતું કે “તેમની પુત્રીના જન્મ અંગે ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સને ઘણા અભિનંદન.” લીલી યુનાઇટેડ કિંગડમની બહાર જન્મેલા રાણીના પ્રપૌત્ર-પ્રપૌત્રીઓમાં પ્રથમ છે. હેરી અને મેગન ગયા વર્ષે રોયલ્સની ડ્યુટીમાંથી પાછા હટી યુ.એસ.ના કેલિફોર્નિયા સ્થળાંતર થયા હતા.
દંપતીના પ્રેસ સેક્રેટરી તરફથી એક નિવેદનમાં જણાવાયું હતું કે ‘’શુક્રવારે સવારે 11:40 વાગ્યે તેમના બીજા બાળકનો જન્મ થયો હતો. ખૂબ જ આનંદ સાથે ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સ હેરી અને મેગન તેમની પુત્રી, લિલીબેટ ‘લિલી’ ડાયના માઉન્ટબેટન-વિન્ડસરનું વિશ્વમાં સ્વાગત કરે છે.’’ કેલિફોર્નિયાના સાન્તા બાર્બરાની સાન્તા બાર્બરા કોટેજ હોસ્પિટલ ખાતે નવી જન્મેલી દિકરીનું વજન 3.48 કિલો હતું અને મા-દિકરીની તબિયત તંદુરસ્ત અને સારી છે.
મોન્ટેસિટોમાં રહેતા હેરી અને મેઘન હવે પેરેંટલ રજા પર છે અને તેમની સત્તાવાર આર્ચેવેલ વેબસાઇટ પર તેમણે પુત્રીના આગમન વિશે વિસ્તૃત વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે “4 જૂને, અમને અમારી પુત્રી લીલીના આગમનથી ધન્યતા પ્રાપ્ત થઈ. અમે કલ્પના કરી ન હતી તેના કરતા તે વધારે સરસ છે, અને અમે વિશ્વભરમાંથી જે પ્રેમ અને પ્રાર્થના અનુભવી છે તેના માટે આભારી છીએ.’’
જ્યારે પ્રિન્સેસ એલિઝાબેથ નવું ચાલવાનું શીખતા બાળકી હતાં અને પોતાનું નામ યોગ્ય રીતે ઉચ્ચારવામાં અસમર્થ હતાં ત્યારે તેમના દાદા, કિંગ જ્યોર્જ પાંચમા તેમને પ્રેમથી ‘લીલીબેટ’ કહેતા અને તે પછીથી સ્વર્ગસ્થ પ્રિન્સ ફિલિપ પણ તેમને લિલિબેટ કહેતા હતા.
મહારાણીએ પુત્રી લીલીબેટના જન્મ પછી પ્રિન્સ હેરી આવતા મહિને પ્રિન્સેસ ડાયનાની મૂર્તિનું અનાવરણ કરવા યુકે પરત આવે છે ત્યારે બપોરના ભોજન માટે વિન્ડસર કાસલ આવવા આમંત્રણ આપવા સાથે તેમને ઓલિવ બ્રાન્ચ ભેટ આપવાની ઓફર કરી છે. મહારાણીએ કલંકિત આરોપો બાદ પણ પ્રિન્સ હેરી સામે કોઈ દ્વેષ રાખ્યો નથી.
મેગન તે સમયે લીલીબેટ અને પુત્ર આર્ચી સાથે $11 મિલિયનના મેન્શનમાં રહેશે તેવી ધારણા છે. તે યુકે છોડ્યા પછી કદાચ પહેલી વાર દાદી સાથે વાતો કરશે. તે વખતે તેમના પાસે ચોક્કસપણે ચર્ચા કરવા માટે ઓપ્રાહ વિનફ્રે સાથેના કુખ્યાત ઇન્ટરવ્યુ સહિત ઘણું બધું હશે.