કોવિડના ચેપમાં એક અઠવાડિયામાં 75 ટકાનો વધારો થયો હતો અને સપ્ટેમ્બર પછીનો આ સૌથી ઝડપી વધારો હોવા છતાય સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 21 જૂનથી કોરોનાવાઇરસ લોકડાઉનના પ્રતિબંધોને દૂર નહિં કરવા માટે હજી પુરાવા નથી. જેને પગલે સરકાર આગ્રહપૂર્વક વધુ છૂટછાટ આપવાનું ચાલુ રાખવા માંગે છે. જો કે સરકાર 14 જૂનના રોજ લોકડાઉન પ્રતિબંધો હળવા કરવાની જાહેરાત કરે તે પહેલા તમામ ડેટાની સમીક્ષા કરશે. નિષ્ણાંતો માને છે કે ચેપનો આ વધારો લોકડાઉનમાં આપવામાં આવેલી મુક્તિ અને ભારતીય ડેલ્ટા વેરિયન્ટનું પરિણામ છે.
ધ ટાઇમ્સ દૈનિક દ્વારા કરાયેલા વિશ્લેષણમાં કોવિડના કેસોમાં વધારો થતો હોવાનું અને હોસ્પિટલોમાં વૃદ્ધ દર્દીઓનું પ્રમાણ ઘટતું હોવાનું જણાયું હતું. આ વખતે દાખલ થયેલા દર્દીઓ પ્રથમ અથવા બીજા તરંગ કરતા નાના અને ઓછા માંદા હોવાનું જણાયા હતા. જાન્યુઆરીમાં 65 વર્ષથી વધુની ઉંમરના હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 62 ટકા હતી જે હવે 45 ટકા છે. 18થી 54 વર્ષની વય દર્દીઓની સંખ્યા જાન્યુઆરીમાં સરેરાશ 22 ટકા હતી જે હાલમાં 37 ટકા છે. ICUમાં દાખલ દર્દીઓની સંખ્યા તમામ વય જૂથોમાં ઘટી છે.
વાઇરસનો રીપ્રોડક્શન (આર) રેટ ગયા અઠવાડિયે 1.0 હતો તે વધીને 1.2 થયો છે. 29 મેના રોજ પૂરા થતાં અઠવાડિયામાં 85,600 લોકોએ પોઝીટીવ પરિણામો મેળવ્યા હતા. જે અગાઉના સપ્તાહનાં 48,500 હતા.
એનએચએસ પ્રોવાઇડર્સના ચીફ એક્ઝિક્યુટિવ ક્રિસ હૉપ્સને કહ્યું હતું કે, ‘’ભારતીય વેરિયન્ટવાળા લોકોની સંખ્યા હોસ્પિટલમાં વધી રહી છે, પરંતુ તે નોંધપાત્ર પ્રમાણમાં નથી. બોલ્ટનની હોસ્પિટલમાં કોવિડ-19 વાળા લોકોની સંખ્યા 50 પર પહોંચી ગઈ છે, જે નવેમ્બરમાં 170 અને જાન્યુઆરી – ફેબ્રુઆરીમાં 115 હતી. ચેપના પ્રમાણમાં અને વિવિધ સ્થળોએ હોસ્પિટલોમાં દાખલ થતા દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે.
21 મેના રોજ પૂરા થતાં સપ્તાહમાં, પબ્લિક હેલ્થ ઇંગ્લેંડના ડેટા મુજબ દર 100,000 કોરોનાવાઇરસના દર્દી દીઠ ICUમાં પ્રવેશ મેળવતા લોકોનો દર 0.09 હતો જે જાન્યુઆરીની શરૂઆતમાં 2.55 હતો.