કેનેડાના ઓન્ટારિયોમાં રવિવારે 20 વર્ષના એક વ્યક્તિએ પાકિસ્તાન મૂળના મુસ્લિમ પરિવાર પર ટ્રક ચડાવી દેતા ચાર વ્યક્તિના મોત થયા હતા અને એકને ગંભીર ઇજા થઈ હતી. ટ્રક ચાલકે આ પરિવાર મુસ્લિમ હોવાને કારણે નિશાન બનાવ્યા હોવાનું માનવામાં આવે છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને આ ઘટનાની નિંદા કરીને તેને ત્રાસવાદી કૃત્ય ગણાવ્યું હતું. ઇમરાન ખાને જણાવ્યું હતું કે પશ્વિમના દેશોમાં ઇસ્લામ વિરોધી ઘૃણાનું આ ઉદાહરણ છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ હુમલાની નિંદા કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે આ કૃત્યુ ઇરાદાપૂર્વકનું અને સુનિયોજિત હતું. ઓન્ટારિયાના લંડનની પોલીસે પ્રત્યક્ષદર્શીઓને ટાંકીને જણાવ્યું હતું કે 20 વર્ષીય નાથેનિયન વેલ્ટમેને પરિવારના પાંચ સભ્યો પર ટ્રક ચડાવી દીધી હતી અને પછી હાઇ સ્પીડ સાથે ટ્રક લઇને ભાગી ગયો હતો. લંડનના રહેવાસી વેલ્ટમેનની આ ઘટના બાદ ધરપકડ કરવામાં આવી હતી તથા હત્યા અને હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સોમવારે રિમાન્ડ બાદ તેને ગુરુવારે કોર્ટમાં રજૂ કરાશે. કેનેડાની પોલિસ આ હુમલાખોર સામે ત્રાસવાદના આરોપ લગાવવાની પણ વિચારણા કરી રહી છે.
પોલીસે મૃતકોના નામ જારી કર્યા ન હતા અને પરંતુ લંડન ફ્રી પ્રેસના જણાવ્યા અનુસાર સઇદ અફઝલ (46 વર્ષ), તેમના પત્ની મહિડા સલમાન (44 વર્ષ), પુત્રી યુમ્માહ અફઝલ (15 વર્ષ)ના મોત થયા હતા. સઇદ અફઝલના 74 વર્ષીય માતાનું પણ મોત થયું હતું. 9 વર્ષના પુત્ર ફયાઝ અફઝલને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પરિવાર 14 વર્ષ પહેલા પાકિસ્તાનમાંથી કેનેડામાં આવ્યો હતો.