રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પ્રપૌત્રી આશિષ લતા રામગોબિંનને દક્ષિણ આફ્રિકાની એક કોર્ટે એક ફોડ કેસમાં 7 વર્ષની જેલની સજા કરવામાં આવી છે. આશિષ લતા રામગોબીન વિરુદ્ધ બિઝનેસમેન એસ આર મહારાજ સાથે 60 લાખ રેન્ડ (દ. આફ્રિકાનું ચલણ)ની છેતરપીંડી કરવાનો આરોપ મુકાયો હતો. સોમવારે, 7 જૂને ડર્બનની એક સ્થાનિક કોર્ટે તેમને દોષીત ઠેરવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ બિઝનેસમેને આશિષ લતા ગોબીનને ભારતથી આવતી માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી ખેપ પર આયાત અને કસ્ટ્મ ડ્યુટી ક્લિયરન્સ કરાવવા 6.2 મિલિયન રેન્ડ આપ્યા હતા. મહારાજને આશિષ લતાએ નફામાં પણ ભાગ આપવાનું વચન આપ્યું હતું.
લતા રામગોબિનને ડરબનની સ્પેશ્યલાઈઝ્ડ કોમર્શિયલ ક્રાઈમ કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવી અને દોષી ગણાવ્યા બાદ તેની વિરૂદ્ધ અપીલ કરવા સામે પણ તેમને મનાઇ ફરમાવવામાં આવી છે.
લતા રામગોબીન જાણીતા માનવ અધિકાર ચળવળકાર ઈલા ગાંધી તેમજ દિવંગત મેવા રામ ગોબિંદના પુત્રી છે. લતા વિરુદ્ધ આ કેસની સુનાવણી 2015માં થઈ હતી. નેશનલ પ્રોસિક્યુટિંગ ઓથોરિટીના બ્રિગેડિયર હંગવાની મુલૌદજીએ જણાવ્યું હતું કે, સંભવિત રોકાણકારોને પોતાની વાતની ખાતરી કરાવવા માટે બોગસ બીલો અને દસ્તાવેજો રજૂ કરીને એમ કહ્યું હતું કે ભારતથી ત્રણ કન્ટેઈનરમાં લીનન આયાત કરાયું છે. તે સમયે લતા રામગોબીનને 50,000 રેન્ડના જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
એસ આર મહારાજની કંપની અન્ય કંપનીઓનો નફાના વહેંચણીના આધારે ધિરાણ ઉપલબ્ધ કરાવે છે. લતા રામગોબિને દક્ષિણ આફ્રિકાના હોસ્પિટલ જૂથ નેટકેર માટે લિનનના ત્રણ કન્ટેઈનર આયાત કરવામાં આવ્યા હોવાનું મહારાજને જણાવ્યું હતું. જો કે આયાત અને કસ્ટમ્સ ક્લિયરન્સ માટે મહારાજ સમક્ષ લતાએ નેટકેર હોસ્પિટલનો બોગસ પર્ચેઝ ઓર્ડર રજૂ કર્યો હતો. બાદમાં નેટકેરના બિલો અને ડિલીવરી નોટ પુરાવા તરીકે દર્શાવી પેમેન્ટ બાકી હોવાનું જણાવ્યું હતું. મહારાજે લતાને 6.2 મિલિયન રેન્ડ આપ્યા હતા. બાદમાં નેટકેરના બેન્ક એકાઉન્ટ વતી પેમેન્ટ કરાયું હોવાની ખાતરી પણ બિઝનેસમેનને આપવામાં આવી હતી.
રામગોબિન પરિવારની શાખ તેમજ નેટકેરના ડોક્યુમેન્ટ્સને પગલે મહારાજે લતા સાથે લોન માટે કરાર કર્યા હતા. જો કે આ દસ્તાવેજો બોગસ હોવાનું જણાતા મહારાજે લતા વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધાવ્યો હતો. લતા ‘ઈન્ટરનેશનલ સેન્ટર ફોર નોન વાયોલન્સ’ એનજીઓની સંસ્થાપક અને કાર્યકારી નિદેશક છે. તેના કહેવા પ્રમાણે તે એક એક્ટિવિસ્ટ છે અને ખાસ કરીને પર્યાવરણ, સામાજીક અને રાજકીય મુદ્દે સક્રિય છે.
મહાત્મા ગાંધીના અન્ય કેટલાક વંશજો પણ માનવાધિકાર કાર્યકર્તા છે. તેમાં લતાના પિતરાઈ ભાઈ કીર્તિ મેનન, સ્વર્ગીય સતીશ ધુપેલિયા અને ઉમા ધુપેલિયાનો સમાવેશ થાય છે. લતાના માતા ઈલા ગાંધીને તેમના પ્રયત્નોને લઈ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળેલી છે. ઈલા ગાંધીને ભારત અને દક્ષિણ આફ્રિકા બંને દેશોનું રાષ્ટ્રીય સન્માન મળેલું છે.