અરબી સમુદ્રના ઉત્તર – પૂર્વીય વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સહિત બે સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના ભાગરૂપે મંગળવારે, 8 જૂને પણ શહેરના વરાછા, લિંબાયત, ઉધના અને અડાજણ સહિતના વિસ્તારોમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ નોંધાયો હતો.
સુરતના રાંદેર ઝોનમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌરાષ્ટ્રના ગોંડલમાં પવન સાથે ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. સુલતાનપુર, ધૂળસીયા, સુખપુર સહિતના ગામોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વાવણીલાયક વરસાદ વરસાયો હતો. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં ઉપરવાસમાં વરસાદ થતાં નવા નીર આવ્યા હતા. જેના કારણે પ્રજામાં ભારે આનંદ છવાયો હતો.
સુરતમાં મંગળવારે સવારે પૂરાં થતા છેલ્લા 24 કલાક દરમ્યાન રાંદેર ઝોનમાં સૌથી વધુ 30 મીમી વરસાદ નોંધાયો હતો. આ સિવાય વરાછા ઝોન -એ, કતારગામ અને ઉધના સહિત લિંબાયતમાં પણ હળવો વરસાદ નોંધાયો હતો. મંગળવારે વહેલી સવારથી સુરત શહેર – જિલ્લા સહિત નવસારી, વાંસદા, ડાંગ – સાપુતારા, ચીખલી અને વલસાડમાં પણ ધીમી ધારે વરસાદ નોંધાવા પામ્યો હતો.