ભારતમાં કોરોનાની ભયાનક બીજી લહેર બાદ દૈનિક કેસો ઘટીને 61 દિવસના નીચા સ્તરે આવી જતાં દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, હરિયાણા સહિતના રાજ્યોએ સોમવાર, 7 જૂનથી એનલોકની પ્રક્રિયા ચાલુ કરી હતી. રાજ્યોએ સાવચેતીના વલણ સાથે નિયમોમાં રાહત આપતા જનજીવન અને વેપાર ધંધા ફરી ધમધમતા થયા હતા.
દેશની આર્થિક રાજધાની અને કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં સોમવારથી પાંચ સ્તરીય અનલોક પ્રોસેસ ચાલુ થઈ હતી. રાજ્યે વીકલી પોઝિટિવ રેટ અને ઓક્સિજન બેડની ઓક્યુપેન્સીને આધારે સંબંધિત વિસ્તારોમાં નિયંત્રણોમાં છૂટછાટ આપવાની શરૂઆત કરી હતી. રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગણતરીપૂર્વકનું જોખમ લઈ રહી છે, તેથી લોકોએ પોતાની જાતે સંભાળ રાખવી પડશે. સ્થાનિક વહીવટીતંત્ર વધુ રાહત આપવાનો નિર્ણય કરશે.
મુંબઈમાં સાત જૂનથી ફાઇનાન્શિયલ માર્કેટ, રેસ્ટારાં, આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો, જાહેર સ્થળો ફરી ખૂલ્યા હતા. પરંતુ મોલ, થિયેટર અને મલ્ટિપ્લેક્સ બંધ રહ્યા હતા. મુંબઈને અનલોક પ્લાનના લેવલ-ત્રણ હેઠળ મૂકવામાં આવ્યું છે.
દેશની રાજધાની દિલ્હીમાં 31મેથી અનલોકની પ્રક્રિયા ચાલુ થઈ હતી અને સાત જૂનથી વધુ છૂટછાટ આપવામાં આવી હતી. સરકારે ઓડ-ઇવન ધોરણે બજારો અને મોલ ખોલવાની ફરી છૂટ આપી હતી. મેટ્રો રેલવે સર્વિસ પણ 50 ટકા ક્ષમતાએ ફરી દોડવા લાગી હતી. સંભવિત સુપરસ્પ્રેડર બની શકે તેવા મુખ્ય બજારો, મોલ અને લિકવર સ્ટોરમાં લોકોના ટોળા ભેગા ન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઉત્તરપ્રદેશમાં પણ 71 જિલ્લામાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના બજારો અને દુકાનો અઠવાડિયામાં પાંચ દિવસ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે લખનૌ, ગોરખપુર, મેરઠ અને સહારનપુર જિલ્લાને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. આ જિલ્લામાં મંગળવારે નિયમો હળવા થવાની ધારણા છે.
હરિયાણા સરકારે 3 મેએ લાદવામાં આવેલા લોકડાઉનને 14 જૂન સુધી લંબાવ્યું હતું, પરંતુ શોપ અને શોપિંગ મોલ ખોલવા માટે વધુ રાહતો આપી હતી. ધાર્મિક સ્થળો પણ 21 લોકોની હાજરી સાથે ખોલવાની પરવાનગી આપી હતી. કોર્પોરેટ ઓફિસ 50 ટકા સ્ટાફ સાથે ફરી ચાલુ થઈ હતી. લગ્નો, અંતિમસંસ્કાર જેવા પ્રસંગેઓ વધુ લોકોને હાજરી આપવાની મંજૂરી આપી હતી. તમિલનાડુમાં લોકડાઉન 14 જૂન સુધી લંબાવવામાં આવ્યું હતું, પરંતુ 11 જિલ્લા સિવાયના વિસ્તારોમાં નિયંત્રણોને હળવા કરવામાં આવ્યા હતા. પડોશી રાજ્ય કર્ણાટકમાં પણ 14 જૂન સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું હતું.