કોરોનાની બીજી લહેરે આશરે બે મહિના સુધી કેર વર્તાવ્યા બાદ જૂનના પ્રારંભથી કોરોના નિયંત્રણોમાં રાહતને પગલે ગુજરાત ફી ધમધમતું થયું હતું. રાજ્યમાં હવે બજારો, જાહેર પરિવહન સેવા, સરકારી અને ખાનગી ઓફિસો અને કોર્ટે ફરી ચાલુ થઈ છે. રાજ્યમાં એપ્રિલ અને મે મહિનાં દૈનિક ધોરણે સરેરાશ 10,000થી વધુ નવા કેસ નોંધાતા હતા. પરંતુ તે 6 જૂને ઘટીને 800થી નીચે આવી ગયા હતા
કોરોનાના પ્રકોપમાં ઘટાડો થતાં ગુજરાત સરકારે 4 જૂનથી સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી બજારો ખુલ્લા રાખવાની છૂટ આપી હતી. તેનાથી દુકાનો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતા થયા હતા. જોકે, સરકારે હજુ નાઇટ કરફયૂમાં કોઈ રાહત આપી નથી. 36 શહેરોમાં 4 જૂનથી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યૂ યથાવત રાખ્યો છે.
સરકારે સાત જૂનથી તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં 100 ટકા સ્ટાફ બોલાવવાની છૂટ આપી હતી તેનાથી સરકારી કામકાજ ચાલુ થયા હતા અને કંપનીઓ પણ સ્ટાફ સાથે પોતાની ઓફિસો ખોલી હતી. તમામ નાગરિક સુવિધા કેન્દ્રો કાર્યરત થતાં રેશન કાર્ડ, આધાર કાર્ડ, આવકના દાખલા સહિત વિવિધ અટવાયેલી કામગીરી ચાલુ થઈ હતી.
ગુજરાત હાઇકોર્ટે અને નીચલી કોર્ટે પણ પણ સાત જૂનથી કેસોની ઓનલાઇન ધોરણે સુનાવણી ચાલુ કરી હતી. કોરોનાના કારણે એપ્રિલની શરુઆતમાં હાઇકોર્ટે તમામ કોર્ટોની ઓનલાઇન સુનાવણી બંધ કરી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 50 ટકા ક્ષમતા સાથે સિટી બસ સર્વિસ AMTS અને BRTS શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. અમદાવાદમાં 81 દિવસ બાદ AMTS અને BRTSની બસ 7 જૂનથી ફરી ચાલુ થઈ હતી. ઉલ્લેખનિય છે કે, અમદાવાદમાં કોરોના સંક્રમણના નવા કેસો અચાનક વધતા કોર્પોરેશનને 17 માર્ચથી AMTS અને BRTS બસ સેવા બંધ કરી દીધી હતી. AMTS અને BRTS બસ સેવા ફરી શરૂ કરવામાં આવતા નોકરીયાત વર્ગ અને જાહેર જનતાને મોટી રાહત મળી હતી. રાજ્યમાં સાત જૂનથી નવા શૈક્ષણિક વર્ષનો પણ પ્રારંભ થયો હતો અને ઓનલાઇન શિક્ષણ ચાલુ થયું હતું. જોકે સરકારે હજુ વિદ્યાર્થીઓને બોલવીને વર્ગખંડમાં શિક્ષણ કાર્ય ચાલુ કર્યું નથી.
સરકારે કેવડિયા ખાતે જાણીતા પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પણ 8 જૂનથી ફરી ખોલવાનો નિર્ણય કર્યો હતો. આ માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી શકાશે. કોરોનાથી દેશના સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં પણ રાજ્ય સરકારે ચાર જૂનથી લોકડાઉનના પ્રતિબંધોમાં પાંચ તબક્કામાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો હતો. પહેલા તબક્કામાં 18 જિલ્લામાં પ્રતિબંધો સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવ્યા છે. સરકાર દર શુક્રવારે સ્થિતિની સમીક્ષા કરીને વધુ વિસ્તારોમાં છૂટછાટ આપશે. દેશમાં દિલ્હી, કર્ણાટક, રાજસ્થાન સહિતના બીજા રાજ્યોમાં પણ અનલોકિંગની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો.