ભારતમાં રવિવારે કોરોના વાઇરસના નવા આશરે એક લાખ કેસ નોંધાયા હતા, જે છેલ્લાં 61 દિવસમાં સૌથી ઓછા છે. છેલ્લાં 25 દિવસથી નવા કેસો કરતાં રિકવર થયેલા દર્દીની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને આશરે 14 લાખ થઈ હતી. એક દિવસમાં 2,427 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 3,49,186 થયો હતો. દૈનિક મોતની આ સંખ્યા છેલ્લાં 45 દિવસમાં સૌથી ઓછી રહી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે જારી કરેલા ડેટા મુજબ છેલ્લાં 24 કલાકમાં 1,00,636 નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને આશરે 2.89 કરોડ થઈ હતી. છેલ્લાં 24 કલાકમાં દેશમાં આશરે 2.71 લાખ લોકો કોરોનામુક્ત બન્યા હતા. કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 14,01,609 થઈ હતી, જે કુલ કેસના આશરે 4.85 ટકા છે. રવિવારે આશરે 15.87 લાખ કોરોના ટેસ્ટ થયા હતા અને પોઝિટિવિટી રેટ ઘટીને 6.34 ટકા થયો હતો. પોઝિટિવિટી રેટ છેલ્લાં 14 દિવસથી 10 ટકાથી નીચો રહ્યો હતો.
વીકલી પોઝિટિવિટી રેટ ઘટીને 6.21 ટકા થયો હતો. નેશનલ કોરોના રિકવરી રેટ સુધરીને 93.94 ટકા થયો હતો. જોકે કોરોનાનો મૃત્યુદર વધીને 1.21 ટકા થયો હતો. દેશમાં થયેલા કુલ 2,427ના મોતમાંથી મહારાષ્ટ્રમાં 618, તમિલનાડુમાં 434, કર્ણાટકમાં 320, કેરળમાં 227 અને પશ્ચિમ બંગાળમાં 107 લોકોના મોત થયા હતા.