કોન્કોર્ડે તેની છેલ્લી કોમર્શિયલ ફ્લાઇટની ઉડાન ભર્યાના 18 વર્ષ બાદ હવે અમેરિકાની એક એરલાઇન 15 અલ્ટ્રાફાસ્ટ જેટ ખરીદવાનો સોદો કરીને સુપરસોનિક ટ્રાવેલને ફરી ચાલુ કરવાની દિશામાં એક પગલું આગળ વધી છે.
વિશ્વની સૌથી મોટી એરલાઇન્સમાં સ્થાન ધરાવતી યુનાઇટેડ એરલાઇન્સ 2029 સુધીમાં લંડન અને નેવાર્ક (ન્યૂ જર્સી) વચ્ચે સર્વિસ લોન્ચ કરવાની વિચારણા કરી રહી છે. આ ફ્લાઇટ અવાજ કરતાં વધુ સ્પીડ સાથે ઉડાન ભરીને માત્ર સાડા ત્રણ કલાકમાં બંને શહેર વચ્ચેનું આ અંતર કાપશે.
આ એરલાઇન ગ્રૂપ ડેનવર સ્થિત સ્ટાર્ચ-અપ બૂમ સુપરસોનિક પાસેથી ઓવર્ચર વિમાનો ખરીદશે, જેની સ્પીડ હાલના સૌથી ઝડપી વિમાનો કરતાં બમણી હોવાનું માનવામાં આવે છે. યોજના મુજબ 15 વિમાનના પ્રારંભિક ઓર્ડર ઉપરાંત કંપની પાસે વધારાના 35 જેટ ખરીદવાનો પણ વિકલ્પ હશે.
ઓવર્ચર જેટનું હજુ નિર્માણ કે સર્ટિફિકેશન થયું નથી, પરંતુ 2026માં પ્રથમ ફ્લાઇટના ઉડાનની યોજના છે. આ પ્રથમ ફ્લાઇટના ત્રણ વર્ષમાં પેસેન્જર સર્વિસ ચાલુ કરવાની બૂમની યોજના છે.
મુસાફરોએ સુપરસોનિક જેટલાઇનરમાં છેલ્લી ઉડાન ભર્યાના આશરે બે દાયકા થઈ ગયા છે. બ્રિટન એરવેઝે 1976માં તેની સર્વિસ ચાલુ કર્યા બાદ 2003માં ન્યૂ યોર્કના JFKથી હિથ્રો વચ્ચે કોન્ડોર્ડની છેલ્લી ફ્લાઇટનું ઉડાન કર્યું હતું. એર ફ્રાન્સ અને બ્રિટિશ એરવેઝે નીચી માગ અને ઊંચા મેન્ટેનન્સ ખર્ચનું કારણ આપીને તેની કોન્કોર્ડ ફ્લાઇટ બંધ કરી હતી. એર ફ્રાન્સની ફ્લાઇટ જુલાઈ 2000માં પેરિસથી ઉડાન ભર્યા બાદ તૂટી પડતા 109થી વધુ લોકોના મોત થયા હતા. આ દુર્ધટના બાદ પેસેન્જરની સંખ્યામાં સતત ઘટાડો થયો હતો.
યુનાઇટેડ એરલાઇન્સે તેની ઓવર્ચર ફ્લાઇટ માટેના સંભવિત રૂટ તરીકે સાન ફ્રાન્સિસ્કો અને ટોકિયો વચ્ચે છ કલાકની ફ્લાઇટ તથા નેવાર્ક અને ફ્રેન્કફર્ટ વચ્ચે છ કલાકની ફ્લાઇટનું સૂચન કર્યું છે.
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડેન સુપરસોનિક કોમર્શિયલ વિમાનના નિર્માણમાં થયેલી પ્રગતિનું ઉદાહરણ આપીને દાવો કરે છે કે વિશ્વમાં છેલ્લાં 50 વર્ષમાં જોવા મળેલા પરિવર્તન કરતાં આગામી દસ વર્ષમાં વધુ પરિવર્તન આવશે.