એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પના પેટ્રન ગોપાલભાઇ જીવનદાસ પોપટનું તા. 3 જૂન, 2021ના રોજ સાંજે 7.25 કલાકે તેમના નિવાસ સ્થાને કાર્ડિયાક એટેકના કારણે નિધન થયું હતું. તેઓ પત્ની, ત્રણ પુત્રો અને બે પુત્રીઓ સહિત વિશાળ પરિવારને વિલાપ કરતાં મૂકી ગયા છે.
ગોપાલભાઇ પોપટ અને તેમનો પરિવાર 1972માં યુગાન્ડાથી યુકે આવ્યો હતો. તેઓ માનતા હતા કે યુકેએ તેમને અને પરિવારને જ નહિં ભારતીય સમુદાયને ખુલ્લા હાથે અને દિલથી સ્વીકાર્યા હતા. તેઓ હંમેશાં માનતા કે આ દેશે ભારતીય નિરાશ્રીતોને જે મદદ કરી છે તેનું ઋણ સમાજને પરત કરવું અને તે આપણી સૌની જવાબદારી છે. તેમણે ધીમે ધીમે સખાવતી કાર્યો તરફ વધુને વધુ સમય આપવાનું શરૂ કર્યું હતું.
35 વર્ષ કરતા વધુ સમયથી સેવા ક્ષેત્રે કાર્યરત શ્રી ગોપાલદાસ પોપટ, સ્વ. શ્રીમતી ઇન્દુબેન મહેતાની પ્રેરણાથી 1983માં સ્થપાયેલ રજિસ્ટર્ડ ચેરિટી એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પમાં જોડાયા હતા અને ટૂંક જ સમયમાં સંસ્થાની કરોડરજ્જુ બની ગયા હતા. તેમના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સંસ્થા વિવિધ પ્રોજેક્ટ્સ દ્વારા સમાજમાં ફાળો આપવા અને જરૂરિયાત મુજબ સહાય કરવા સક્ષમ બની હતી. આટલા સમયગાળા દરમિયાન એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ દ્વારા યુકે અને વિદેશમાં જરૂરિયાતમંદ સેવાભાવી સંસ્થાઓને આશરે 80 જેટલી એમ્બ્યુલન્સનું દાન અને વિવિધ સેવાભાવી કામગીરી કરવામાં આવી હતી.
શ્રી ગોપાલદાસ પોપટે બીજુ એક સવિશેષ સેવા કાર્ય કર્યું હતું તે હતું આઇ કેમ્પ. એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પની સહાયથી ભારત, ઇસ્ટ આફ્રિકા અને અન્ય દેશોના શહેરો અને ગામડાઓમાં વાર્ષિક 30-35 આઇ કેમ્પ કરવામાં આવતા હતા. આ શિબિરોમાં વિનામુલ્યે આંખની તપાસ, ચશ્મા, દવા, સારવાર અને કેટકરેક્ટ તેમજ અન્ય ઓપરેશન કરવામાં આવતા હતા. આંખની એક શિબિરમાં આશરે 200 દર્દીઓની તપાસ અને 30 મોતિયાના ઓપરેશન કરવામાં આવતા. વર્ષ 2018-19માં 8,605 ઓપીડી પેશન્ટની સારવાર અને 1,121 મોતિયાના ઓપરેશન કરાયા હતાં.
એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ દ્વારા તાજેતરમાં સમાન પ્રોજેક્ટ્સ અંતર્ગત હેરફિલ્ડ હોસ્પિટલને £22,000, UCLHને £15000, મૂરફિલ્ડ આઇ હોસ્પિટલને £63000, નોર્થવિક પાર્ક હોસ્પિટલને £7,000, RNTNE હોસ્પિટલ કિંગ્સ ક્રોસને £22,000ની સહાય આવશ્યક તબીબી ઉપકરણો માટે દાન કરવામાં આવી હતી.
હાલમાં તેમના પુત્ર હિતેશભાઇ પોપટ સંસ્થાના ચેરમેન તરીકે અને અનીતાબેન રૂપારેલિયા સેક્રેટરી તરીકે અન્ય ટ્રસ્ટીઓના સાથ-સહકારથી સેવા આપે છે. સંપર્ક: હિતેશ પોપટ (પુત્ર) – 07768 876 859.