બોલીવૂડમાં વિદ્યા બાલને પોતાનું અનોખું સ્થાન બનાવ્યું છે. તે પોતાની અભિનય ક્ષમતાને કારણે જાણીતી છે. જોકે તેની ફિલ્મ પસંદ કરવાની સ્ટાઇલ જરા અનોખી છે. ફિલ્મ મેકર્સ તેને મહિલા પ્રધાન અને બાયોપિક ફિલ્મ માટે હંમેશા પસંદ કરે છે. હાલ તે પોતાની આવનારી ફિલ્મ શેરનીને કારણે ચર્ચામાં છે. જોકે તે એક વધુ ફિલ્મ બાબતે વિચારી રહી છે. વિદ્યાએ તુમ્હારી સલ્લુ ફિલ્મમાં નિર્માતા તનુજા ગર્ગ અને અતુલ કસ્બેકર સાથે કામ કર્યું હતું. હવે તે બંને ઇચ્છે છે કે, વિદ્યા તેમની સાથે ફરી કામ કરે, તેઓ વિદ્યાને માટે એક સારી સ્ક્રિપ્ટની શોધમાં હતા જે હવે પુરી થઇ છે. આ ફિલ્મની કહાની વિદ્યાને પણ પસંદ આવી હોવાનું કહેવાય છે.
વિદ્યાની આ ફિલ્મ મહિલા પ્રધાન અને પારિવારિક હશે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઇ અને દક્ષિણ ભારતમાં ૪૫ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. નિર્માતાએ જણાવ્યું હતું કે, અમે વિદ્યા સાથે ફરી કામ કરવા ઇચ્છીએ છીએ. અત્યારે અમે તેની સાથે વાતચીત કરી રહ્યા છીએ. અમારું બેનર વિદ્યાને પરિવારની સભ્ય જ માને છે. વિદ્યા જેવી અભિનેત્રી સાથે અમે દર વરસે એક ફિલ્મ બનાવાની ઇચ્છા રાખીએ છીએ. હાલ અમારી વચ્ચે વાતચીત ચાલુ છે બધું ફાઇનલ થતાં જ અમે તે અંગે જાહેરાત કરીશું.