સરકારના ન્યુ એન્ડ ઇમર્જીંગ રેસ્પીરેટરી વાયરસ થ્રેટ્સ એડવાઇઝરી (નેર્વાટેગ)ના સભ્ય અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર રવિ ગુપ્તાએ જણાવ્યું હતું કે નવા કેસો “પ્રમાણમાં ઓછા” હોવા છતાં કોવિડના ભારતીય વેરિયન્ટમાં વ્યાપક પ્રમાણમાં વૃધ્ધી થઇ છે. જેને કારણે 21 જૂનના રોજ ઇંગ્લેન્ડમાં કોવિડ પ્રતિબંધોને કેટલાક સપ્તાહ સુધી સમાપ્ત કરવાનું મુલતવી રાખવું જોઈએ. એન્વાયર્નમેન્ટ સેક્રેટરી જ્યોર્જ યુસ્ટાઇસે કહ્યું હતું કે સરકાર આયોજિત લોકડાઉન હળવુ કરવામાં વિલંબને નકારી શકે નહીં.
રવિવારે તા. 30ના રોજ યુકેમાં સતત પાંચમાં દિવસે 3,000થી વધુ નવા કોવિડ ઇન્ફેક્શન થયા હોવાનું બહાર આવ્યું હતું. યુકેમાં તા. 12 એપ્રિલ સુધી આટલા કેસ નોંધાયા નહોતા.
પ્રોફેસર ગુપ્તાએ બીબીસી રેડિયોના ટુડે પ્રોગ્રામને જણાવ્યું હતું કે ‘’યુકેમાં ચેપનો ત્રીજો તરંગ પહેલેથી જ છે જેમાંના ઓછામાં ઓછા 75 ટકા કેસો નવા ભારતીય વેરિયન્ટના હતા. અલબત્ત કેસોની સંખ્યા અત્યારે પ્રમાણમાં ઓછી છે. બધા તરંગોમાં કેસોની સંખ્યા શરૂમાં ઓછી હોય છે અને પછી તે વિસ્ફોટક બને છે. આપણે અહીં પ્રારંભિક તરંગના સંકેત જોઇ રહ્યા છીએ. જો કે, યુકેમાં રસી લેનારા લોકોની સંખ્યા વધારે છે તે જોતાં આ તરંગને બહાર આવતા વધુ સમય લાગશે. બીજા રસીકરણ ડોઝ માટે વધુ સમય આપવા 21 જૂને થનાર છૂટછાટને થોડા અઠવાડિયા સુધી મુલતવી રાખવા મારી વિનંતી છે.’’
સરકારના અન્ય અગ્રણી વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર એડમ ફિને પણ તા. 21 જૂનથી પ્રતિબંધ હળવો કરતા પહેલા સાવચેતી રાખવા વિનંતી કરી હતી. આ સમયે, આપણે સાવચેત રહેવું જોઈએ, શું થાય છે તે જોવા માટે રાહ જુઓ.”
ઇંગ્લેન્ડમાં નિયંત્રણો હટાવવામાં આવશે કે કેમ તે અંગેનો આખરી નિર્ણય 14 જૂને લેવામાં આવશે. સ્કોટિશ સરકાર 7 જૂને વધુ પ્રતિબંધો હટાવવાની આશા રાખે છે, જ્યારે વેલ્સમાં 3 જૂને સમીક્ષા થવાની છે. નોર્ધર્ન આયર્લેન્ડમાં આગામી સમીક્ષા 10 જૂને થવાની છે.