અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે (AGEL) રૂ.24,000 કરોડમાં એસબી એનર્જીને ખરીદવાની બુધવારે જાહેરાત કરી હતી. આ સોદાને રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે દેશનો સૌથી મોટો સોદો ગણાવવામાં આવી રહ્યો છે. એસબી એનર્જીને ખરીદી લેવા માટે અદાણી ગ્રુપ છેલ્લા કેટલાક સમયથી પ્રયાસ કરી રહ્યું હતું.
એસબી એનર્જીની કેનેડિયન પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ સાથેની વાતચીત પડી ભાંગ્યા બાદ આખરે અદાણી ગ્રુપે આ સોદો પાર પાડ્યો હતો.
એસબી એનર્જીમાં સોફ્ટબેંકનો 80 ટકા જ્યારે ભારતી ગ્રુપનો 20 ટકા હિસ્સો હતો, જેને અદાણી ગ્રુપે ખરીદી લીધો છે.
આ ડીલમાં અદાણીને 4,954 MW કેપેસિટી ધરાવતા સોલાર, વિન્ડ અને સોલાર-વિન્ડ હાઈબ્રિડ પ્રોજેક્ટ પ્રાપ્ત થશે. જેમાંથી 1400 MWના પ્રોજેક્ટ હાલ કાર્યરત છે, અને બાકીના પર કામ ચાલી રહ્યું છે. આ તમામ પ્રોજેક્ટ 25 વર્ષના પાવર પરચેઝ એગ્રિમેન્ટ ધરાવે છે, અને અદાણી ગ્રીનની પણ આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડી રહી છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આ સોદાને કંપની દ્વારા જાન્યુઆરી 2020માં સ્થાપિત કરાયેલા વિઝનની દિશામાં એક મહત્વનું પગલું ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કંપની 2025 સુધીમાં વિશ્વની સૌથી મોટી સોલાર એનર્જી તેમજ 2030 સુધીમાં દુનિયાની સૌથી મોટી રિન્યૂએબલ એનર્જી ઉત્પન્ન કરતી કંપની બનવા માગે છે.
આ સોદા સાથે અદાણી ગ્રીનની કેપેસિટી હવે વધીને 24,300 મેગાવોટ પર પહોંચી ગઈ છે. કંપની 2025 સુધીમાં 25,000 મેગાવોટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરવાનો ટાર્ગેટ ધરાવે છે, જેનાથી હવે તે માત્ર 700 MW જ દૂર છે.