મેસેજિંગ સર્વિસ પ્લેટફોર્મ વ્હોટસએપે ભારત સરકારના નવા ડિજિટલ નિયમો સામે દિલ્હી હાઇ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ફેસબૂકની માલિકીની વ્હોટ્સએપ દાવો કર્યો છે કે નવા નિયમોથી કંપનીને યુઝર્સના ગુપ્તતાના અધિકારોનું ઉલ્લંઘન કરવાની ફરજ પડશે, એમ સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું.
સરકારના નવા ડિજિટલ નિયમો 26મેથી અમલી બની રહ્યા છે, ત્યારે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મંગળવારે દાખલ કરેલી પિટિશનમાં વ્હોટ્સએપે જણાવ્યું હતું કે નવા નિયમોથી તેને મેસેજના ઓરિજિનને ટ્રેસ કરવાની જરૂરિયાત ઊભી થશે, જે પ્રાઇવસીના નિયમોનો ભંગ કરે છે. વ્હોટ્સએપ નવા ડિજિટલ નિયમોની વિરૂદ્ધમાં છે.
ભારતીય આઈટી રુલ્સ ચેલેન્જ કરવા મુદ્દે વ્હોટ્સએપના પ્રવક્તાએ જણાવ્યું કે, કોઈ યુઝરની ચેટ ટ્રેસ કરવી મતલબ દરેક મેસેજની ફિંગરપ્રિન્ટ વ્હોટ્સએપ પાસે હશે. તેનાથી યુઝરની પ્રાઈવસી જે તેમનો ફંડામેન્ટલ રાઈટ છે તે ભંગ થશે. તેઓ ભારત સરકાર સાથે વાતચીત ચાલુ રાખીને આ અંગે સમાધાન શોધવા પ્રયત્ન કરશે. તેમાં જો તેમના પાસે કોઈ લીગલ વેલિડ રિક્વેસ્ટ આવશે તો તેને લઈને તેઓ તેમના પાસે ઉપલબ્ધ તમામ જાણકારી ઉપલબ્ધ કરાવશે.
વ્હોટ્સએપના આ કેસથી મોદી સરકાર તથા ફેસબુક, ગૂગલ અને ટ્વીટર વચ્ચેનો વિવાદ વધુ વકરવાની શક્યતા છે. અગાઉ ટ્વીટરે સત્તાધારી ભાજપના પ્રવક્તાની પોસ્ટને મેનિપ્યુલેટિવ મીડિયાનું લેબલ આપ્યું હતું. આ પછી પોલીસે ટ્વીટરની ઓફિસે જઇને તેને નોટિસ ફટકારી હતી.