ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ઉત્તરાખંડે એલોપથી અને એલોપથી ડોક્ટર્સની કથિત બદનક્ષી કરતા નિવેદન કરવા બદલ યોગગુરૂ બાબા રામદેવને રૂ.1,000 કરોડની માનહાનિ નોટિસ મોકલી છે. આ નોટિસમાં બાબા રામદેવને 15 દિવસમાં IMAની લેખિત માફી માંગવા કહેવામાં આવ્યું છે. જો માફી નહીં માગે તો રૂ.1,000 કરોડનો માનહાનિ કેસ કરવાની ચેતવણી આપવામાં આવી છે.
આઇએમએ (ઉત્તરાખંડ)ના સેક્રેટરી અજય ખન્ના વતી તેમના વકીલ નીરજ પાંડેએ આપેલી નોટીસમાં જણાવવામાં આવ્યું છે કે રામદેવના નિવેદનોથી એલોપથી અને આશરે 2,000 મેડિકલ પ્રેક્ટિસનર્સની છાપ ખરડાઈ છે.
રવિવારે બાબા રામદેવે તેમના નિવેદનને પાછું ખેંચી લીધું હતું. એક વાયરલ વિડિયો ક્લીપમાં રામદેવે કોરોનાની સારવારમાં વપરાતી કેટલીક દવાઓ સામે સવાલ ઉઠાવ્યા હતા અને જણાવ્યું હતું કે કોરોનાની એલોપેથિક દવાથી લાખ્ખો લોકોના મોત થયા છે.
નોટિસમાં IMAએ લખ્યું છે કે, બાબા રામદેવ એલોપથીના કોઇ જાણકારી ધરાવતા નથી. અમે તેમના સવાલોનો જવાબ આપવા તૈયાર છીએ પરંતુ તે પહેલા તેઓ પોતાની યોગ્યતા જણાવે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, જો બાબા 15 દિવસની અંદર માફી નહીં માંગે તો તેમના વિરૂદ્ધ રૂ.1,000 કરોડનો માનહાનિનો દાવો કરવામાં આવશે.
IMA ઉત્તરાખંડે લખ્યું છે કે, ‘રામદેવ પોતાની દવાઓ વેચવા માટે સતત જુઠાણું ફેલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમણે અમારી હોસ્પિટલોમાં પોતાની દવાઓની ટ્રાયલ કરી છે, અમે એ હોસ્પિટલોના નામ પુછ્યા પરંતુ તેઓ ન કહી શક્યા કારણ કે તેમણે ટ્રાયલ કરી જ નથી. ડોક્ટરો વિરૂદ્ધ આ પ્રકારની ટિપ્પણીથી લોકોમાં પણ બાબા પ્રત્યે ગુસ્સો છે.’