કોરોનાના કેસમાં ઘટાડો થતાં ગુજરાત સરકારે બુધવારે 36 શહેરોમાં નાઇટ કરફ્યૂમાં થોડી રાહત આપી હતી. હવેથી 36 શહેરમાં લાગુ રાત્રિ કરફ્યુનો સમય રાત્રે 8 વાગ્યાને બદલે 9 વાગ્યે શરૂ થશે અને સવારે 6 વાગ્યે પૂર્ણ થશે. નવા નિયમો 27મેથી અમલી બનશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો.
અગાઉ સરકારે 36 શહેરમાં કેટલીક છૂટછાટ આપતા તમામ ધંધા અને દુકાનો સવારે 9થી બપોરે 3 કલાક સુધી ખુલા રાખવાની છૂટ આપી હતી. હાલ અમદાવાદ, સુરત સહિત રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કરફ્યુ અમલમાં છે. જેની મુદત 26મેએ પૂર્ણ થવાની હોવાથી નાઈટ કરફ્યુ હજી યથાવત રાખવાની જાહેરાત કરાઇ છે, પરંતુ તેના સમયમાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. કોરોનાના કેસો ઘટતા કરફ્યુના સમયમાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે.
રૂપાણીએ જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં આપણે ઘણો સંઘર્ષ કર્યો છે. કોરોનોમાં પણ વ્યાપક કામગીરી કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના કેસોને નિયંત્રણ કરવામાં સરકાર સફળ રહી છે. હાલમાં દૈનિક કેસની સંખ્યા 3,000ની નજીક આવી છે. દિવસેને દિવસે કેસ ઘટી રહ્યાં છે. તેથી આવતીકાલથી રાત્રિ કરફ્યુનો સમય રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો છે.