પંજાબ નેશનલ બેંક (PNB)માં રૂ.15,500 કરોડના લોન કૌભાંડમાં વોન્ટેડ ભારતનો હીરાનો વેપારી મેહુલ ચોક્સી એન્ટીગુયા એન્ડ બારબુડામાંથી લાપતા થયો છે, એમ આ કેરિબિયન ટાપુ દેશના રોયલ પોલીસ ફોર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું. મહેલુ ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે પણ તેમના અસીલ ગુમ થયા હોવાના અહેવાલને પુષ્ટી આપી હતી.
ભારતની તપાસકર્તા એજન્સી સીબીઆઇ ઇન્ટરપોલ સહિત સત્તાવાર અને બિનસત્તાવાર માધ્યમ મારફત આ અહેવાલને વેરિફાઇ કરી રહી છે, એમ અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું.
એન્ટીગુયા પોલીસના જણાવ્યા પ્રમાણે પોલીસ લાપતા ભારતીય બિઝનેસમેન મેહુલ ચોક્સીનું ઠેકાણું શોધી રહી છે. 2018માં ભારતમાંથી ફરાર થયા બાદ ચોક્સી કેરેબિયન દેશ એન્ટીગુયા એન્ડ બારબુડામાં રહેતો હતો.
એન્ટીગુયા પોલીસે મેહુલ ચોક્સી લાપતા હોવાનો કેસ નોંધ્યો છે. છેલ્લે તે રવિવારે (23 મે) સાંજે 5:15 કલાકે પોતાના નિવાસસ્થાનેથી કારમાં નીકળતો જોવા મળ્યો હતો. એન્ટીગાના જોનસન પોઈન્ટ પોલીસ સ્ટેશને આ અંગે કેસ દાખલ કર્યો છે. પોલીસે જનતાને ચોક્સી અંગે કોઈ માહિતી હોય તો જાણ કરવા વિનંતી કરી હતી.
પ્રાપ્ત અહેવાલ પ્રમાણે કેરેબિયન દ્વીપ એન્ટીગા એન્ડ બારબુડાની નાગરિકતા લેનારો ચોક્સી રવિવારે દ્વીપના દક્ષિણી ક્ષેત્રમાં ગાડી ચલાવતો જોવા મળ્યો હતો. બાદમાં તેની ગાડી મળી પરંતુ ચોક્સીના કોઈ સગડ નથી મળ્યા. પંજાબ નેશનલ બેન્કમાં રૂ.13,500 કરોડના કૌભાંડના કેસમાં મેહુલ ચોક્સી અને તેના સંબંધી નીરવ મોદી ભારતમાં વોન્ટેડ જાહેર થયેલા છે. નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં છે.