ભારતમાં કોરોના મહામારી વચ્ચે એક સપ્તાહમાં બીજા વિનાશકારી વાવાઝોડાનું જોખમ ઊભું થયું છે. યાસ નામનું આ વાવાઝોડું બુધવારની સવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળની વચ્ચે ત્રાટકવાની શક્યતા હોવાથી સોમવારથી જ હજારો લોકોને સલામત સ્થળે ખસેડવાની કવાયત ચાલુ કરવામાં આવી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાઇક્લોન યાસ વેરી સિવિયર સાઇક્લોન સ્ટોર્મમાં તબદિલ થશે અને તે સમયે પવનની ગતિ પ્રતિ કલાક 110 માઇલ સુધીની રહી શકે છે. આ વાવાઝોડાને કારણે દરિયામાં ચાર મીટર (13 ફુટ) ઊંચા મોજા ઉછળી શકે છે.
યાસ વાવાઝોડું બુધવારે સાંજે ઓડિશાના પારાદીપ અને સાગર આઈલેન્ડ્સ વચ્ચે લેન્ડફોલ કરશે તેવું અનુમાન છે. જોકે, તેની અસર મંગળવારથી જ જોવા મળતી થશે. પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ઘણાં જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે.
વાવાઝોડાનો સામનો કરવા માટે સેનાએ યુદ્ધ જેવી તૈયારી કરી છે. નૌસેનાના 4 જંગી જહાજો અને હેલિકોપ્ટરો જ્યારે વાયુસેનાના 11 માલવાહક વિમાનો અને ચીતા, ચેતક તથા એમઆઈ-17 જેવા 25 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. તે સિવાય 5 સી-130 વિમાન, 2 ડોર્નિયર વિમાન અને 4 એએન-32 વિમાનોએ પણ મોરચો સંભાળ્યો છે. ઉપરાંત એનડીઆરએફની 70 જેટલી ટીમ તૈનાત કરવામાં આવી છે.