ગુજરાત સરકારે ગુરુવારે મ્યુકરમાઈકોસિસને એપિડેમિક ડીસિઝ એક્ટ 1857ની જોગવાઈ હેઠળ એપેડેમિક જાહેર કર્યો હતો. રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે આ બિમારીના પણ આશરે 1,500થી વધુ કેસ નોંધાયા છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં મ્યુકરમાઇકોસિસથી અત્યાર સુધી આશરે 250 લોકોના મોત થયા છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વડપણ હેઠળ યોજાયેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ તેની સામે મ્યુકરમાઈકોસિસના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં રાજસ્થાન સહિતનાં અન્ય રાજ્યોએ પણ મ્યુકરમાઈકોસિસને એપિડેમિક જાહેર કરી હતી. તેમજ કેન્દ્ર સરકારે પણ રાજ્યોને મ્યુકરમાઈકોસિસને એપિડેમિક જાહેર કરવા માટે કહ્યું હતું. આમ કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
હવે આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ સ્ક્રિનિંગ ડાયગનોસિસ અને ટ્રીટમેન્ટ માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ ICMR દ્વારા આ રોગ માટે નક્કી કરવામાં આવેલી ગાઈડ લાઇન્સનું પાલન કરવાનું રહેશે. આ રોગના શંકાસ્પદ તેમજ કન્ફર્મ કેસોની વિગતો ભારત સરકારને સમયાંતરે મોકલવાની રહેશે.
ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસના કેસોમાં 10 દિવસમાં 300 ટકાનો વધારો થયો છે. એકલાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યારે 481 દર્દીઓ દાખલ છે. અને રોજના 40 દર્દી વધતાં 7 ઓપરેશન થિયેટર ખોલાયાં છે. અને દૈનિક 30 જેટલાં મ્યુકરમાઈકોસિસના ઓપરેશન કરાય છે. તો મ્યુકરમાઈકોસિસનાં કેસોમાં વધારો થતાં મ્યુકરમાઈકોસિસના ઇન્જેક્શનની ભારે અછત વર્તાઈ રહી છે.