ભારતમાં 1970ના દાયકાના ચીપકો આંદોલનના પ્રણેતા અને જાણીતા પર્યાવરણવાદી સુંદરલાલ બહુગુણાનુ કોરોનાથી સંક્રમિત થયા બાદ શુક્રવારે ઋષિકેશની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની ઉંમર 94 વર્ષ હતી. તેમને કોરોનાની સાથે ન્યૂમોનિયા પણ થઈ ગયો હતો. તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. તેમના નિધન પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી.
સુંદરલાલ બહુગુણાનો જન્મ ઉત્તરાખંડના ટિહરી જીલ્લામાં થયો હતો. 13 વર્ષની વયે તેમણે મંદિરોમાં દલિતોને પ્રવેશ આપવા માટે આંદોલન છેડ્યું હતું. તેમણે 1956માં લગ્ન બાદ રાજકીય સન્યાસ લઈને પર્યાવરણ ક્ષેત્રમાં કામ કરવા માટે પોતાના પત્ની વિમલા નૌટિયાલ સાથે પર્વતીય નવજીવન મંડલની સ્થાપના કરી હતી. તેમણે 1970માં વૃક્ષો કાપવાનો વિરોધ કરવા માટે ચિપકો આંદોલનની શરુઆત કરી હતી. 1974માં જ્યારે વૃક્ષો કાપવા માટે કોન્ટ્રાક્ટરો પહોંચ્યા ત્યારે બહુગુણા અને તેમના કાર્યકરો વૃક્ષોને ભેટીને ઉભા રહી ગયા હતા. આ આંદોલને આખા ભારતનુ ધ્યાન ખેંચ્યુ હતુ.