સીરીયસ ફ્રોડ ઑફિસે સંજીવ ગુપ્તાની માલીકીના ગુપ્તા ફેમિલી ગૃપ એલાયન્સ અને તેમના સામ્રાજ્ય અંગે તપાસ શરૂ કરતા 5,000 બ્રિટિશ ઔદ્યોગિક નોકરીઓનું ભાવિ અનિશ્ચિતતામાં ગરકાવ થઈ ગયું છે.
એસએફઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી યુરોપ, ઑસ્ટ્રેલિયા અને યુ.એસ.માં ઘણા મોટા પ્રોજેક્ટ્સ ધરાવતા અને વિશ્વભરમાં 30,000 લોકોને રોજગારી આપતા ગુપ્તા જૂથના બચાવ માટેની મંત્રણાઓ પર સંકટ આવ્યું છે. આ તપાસ ગુપ્તાના બદનામ ફાઇનાન્સર લેક્સ ગ્રીન્સિલના સલાહકાર તરીકે ભૂતપૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમેરોનની ભૂમિકા તરફ દોરી જશે તેની ખાતરી છે.
SFO નાં એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એસએફઓ ગુપ્તા ફેમિલી ગ્રુપ એલાયન્સ (જીએફજી) ની અંદરની કંપનીઓને ધિરાણ અને વ્યવહાર સંબંધે શંકાસ્પદ છેતરપિંડી, કપટપૂર્ણ વેપાર અને મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે, જેમાં ગ્રીન્સિલ કેપિટલ યુકે લિમિટેડ સાથે તેની નાણાકીય વ્યવસ્થાઓનો પણ સમાવેશ થાય છે.”
ફાઇનાન્શિયલ ટાઇમ્સના જણાવ્યા અનુસાર, યુએસ ફાઇનાન્સ હાઉસ, વ્હાઇટ ઓક ગ્લોબલ એડવાઇઝર્સના આશરે £235 મિલિયનના કેશ ઇંજેક્શનની વાતો પણ તૂટી પડી છે. એસએફઓએ જણાવ્યું હતું કે તપાસ હવે જીવંત હોવાથી તે આગળ કોઈ ટિપ્પણી કરી શકશે નહીં.