કોવિડના ભારતીય વેરિયન્ટને કાબૂમાં કરવા માટે સોમવારથી પબ્સ અને રેસ્ટોરન્ટ્સ ખુલ્લા કરવાની અને ઘરની અંદર છ લોકો સુધી સોસ્યલાઇઝીંગ કરવાની ભલે પરવાનગી આપવામાં આવી હોય પરંતુ તે પગલાની અવગણના કરી કોવિડના ત્રીજા તરંગને રોકવા માટે લોકોને સતર્ક રહેવા આરોગ્ય નિષ્ણાતોએ લોકોને વિનંતી કરી છે. વેલ્સ અને મોટાભાગના સ્કોટલેન્ડમાં પણ નિયમો હળવા કરવામાં આવશે.
વેલકમ ટ્રસ્ટના ભૂતપૂર્વ નિર્દેશક અને 2017 સુધી મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર રહેલા પ્રો. સર માર્ક વૉલપોર્ટે જણાવ્યું હતું કે “મારી સલાહ એટલી જ છે કે તમે કંઇક કરી શકો તેનો અર્થ એ નથી કે તે તમારે કરવું જ જોઈએ.”
લંડન સ્કૂલ ઑફ હાઇજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના પબ્લિક હેલ્થના પ્રોફેસર માર્ટિન મેક’કિએ વૉલપોર્ટના નિવેદનને ટેકો આપતાં જણાવ્યું હતું કે “સાવચેતીના સિદ્ધાંત અને અગાઉના તરંગોના અનુભવને આધારે, હું ખૂબ ચિંતિત છું અને વ્યક્તિગત રીતે હું થોડા સમય માટે પણ બાર, રેસ્ટૉરન્ટ્સ કે કોઇના ઘરની અંદર જઇશ નહીં.”
બ્રિટીશ મેડિકલ એસોસિએશની પબ્લિક હેલ્થ કમિટીના અધ્યક્ષ ડૉ. રિચાર્ડ જાર્વિસે જણાવ્યું હતું કે ‘’નવા વેરિયન્ટના ખતરાને જોતાં લોકોએ બહાર મળવાનું ચાલુ રાખવું જોઇએ. અમે લોકોને અને ખાસ કરીને યુવાનોને સામાજિક અને શારીરિક સંપર્ક કરતી વખતે સાવધ અભિગમ અપનાવવા અને હેન્ડ, ફેસ અને સ્પેસના નિયમોનું પાલન કરવાની અને જ્યાં શક્ય હોય ત્યાં બહાર મળવાની વિનંતી કરી હતી. લોકોએ પોતાનું અંગત જોખમ જોવું જોઈએ. લોકડાઉનના આગલા તબક્કામાં પ્રવેશતા લોકોએ સાવધ રહેવું જોઇએ.”
બોલ્ટન, બ્લેકબર્ન, ડર્બીશાયરમાં એરવૉશ અને સ્કોટલેન્ડના મોરે પ્રારંભિક હોટસ્પોટ છે, પરંતુ હવે ભારતીય વેરિયન્ટ દેશભરમાં લંડન, એસેક્સ, હર્ટફોર્ડશાયર અને કેમ્બ્રિજ સુધી પહોંચ્યા છે. બોલ્ટનમાં ચેપનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા દસ ગણો વધારે એટલે કે દર 100,000 દીઠ 254.9નો છે.
હેલ્થ સેક્રેટરી, મેટ હેનકોકએ જણાવ્યું છે કે ‘’વેક્સીન લીધી નથી તેવા જૂથોમાં આ વેરિયન્ટ દાવાનળની જેમ ફેલાય છે અને હોસ્પિટલમાં દાખલ થતા કેસોમાં નોંધપાત્ર વધારો થઇ શકે છે. પરંતુ લોકોને સાવધ અને સાવચેત રહેવાની જરૂર છે.’’
સેજ જૂથના કેટલાક સભ્યોએ જણાવ્યું હતું કે, ‘’નવા વેરિયન્ટની ગતિ જોતાં વડા પ્રધાને લોકડાઉનમાં રાહત આપવામાં મોડું કરવું જોઈએ.’’