લંડનના ઇસ્ટ એરિયા કમાન્ડ યુનિટ સાથે જોડાયેલા પૂર્વ પોલીસ સાર્જન્ટ સૈયદ અલીને એક મહિલાની પજવણી કરવા બદલ બુધવાર તા. 12 મેના રોજ વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા છ અઠવાડિયાની કેદ, 18 મહિના માટે સસ્પેન્ડમાં સજા સંભળાવવામાં આવી હતી. તેને 200 કલાકનું અવેતન કોમ્યુનિટી વર્ક કરવાનો, પીડિત મહિલાને £200નું વળતર ચૂકવવા અને પીડિતાનો ત્રણ વર્ષ માટે સંપર્ક ન કરવા હુકમ કરાયો હતો. અલીને તા. 24 માર્ચ, બુધવારે તે જ અદાલતમાં આરોપ માટે દોષી ઠેરવ્યો હતો.
આરોપ હતો કે અલીએ મે અને જુલાઈ 2020ની વચ્ચે મહિલા સાક્ષીને ત્રાસ આપ્યો હતો. 2015માં અલી એસઓ-15 સાથે જોડાયો ત્યારે સ્ત્રી સાક્ષીના સંપર્કમાં આવ્યો હતો. મે 2020માં, અલીએ તે જ સાક્ષીને તેના વર્ક ફોન પર મેસેજ કરીને અનિચ્છનીય અને અયોગ્ય સંપર્કમાં જોડાવાનું શરૂ કર્યું. મહિલાએ મેસેજ મોકલી તેનો ઇન્કાર કર્યો હતો પરંતુ જુલાઈ 2020 સુધી અલીની પરેશાની ચાલુ રહી હતી.
મહિલાએ કરેલી ફરિયાદને પગલે અલીની 23 જુલાઈએ ઈલ્ફર્ડ પોલીસે ધરપકડ કરી હતી. અલીએ તેની ગીલ્ટી પ્લી દાખલ કર્યા પછી 30 એપ્રિલ 2021ના રોજ પોલીસમાંથી રાજીનામુ આપ્યું હતું. જો આ મામલો ગ્રોસ મિસકન્ડક્ટ સાબિત થશે તો અલી ભવિષ્યમાં પોલીસ તરીકેની નોકરી મેળવી શકશે નહિં.