વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 19મેએ ગુજરાતના તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યા બાદ રાજ્ય માટે તાકીદના રૂ.1,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. તાત્કાલિક રાહત બાદ, રાજ્યમાં થતા નુકસાનીનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્ર સરકાર એક આંતર-મંત્રાલયની ટીમ રાજ્યની મુલાકાત માટે આવશે. જેના આધારે વધુ સહાય આપવામાં આવશે.
મૃતકોને રૂ.2 લાખ અને ઇજાગ્રસ્તને રૂ.50,000ની સહાય
વડાપ્રધાન મોદીએ વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લાના વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યા બાદ જાહેરાત કરી હતી કે વાવાઝોડા સંબંધિત દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને રૂ.2 લાખની અને ઘાયલ થયેલા લોકોને રૂ.50,000ની સહાય આપવામાં આવશે.
અમદાવાદમાં સમીક્ષા બેઠક
મોદી હવાઈ નિરીક્ષણ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ શરૂ કર્યું હતું. બપોરે 1.50 કલાકે હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદમાં વડાપ્રધાને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ અનિલ મુકિમ, આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિ બેઠકમાં જોડાયા હતા.
વડાપ્રધાનને જણાવ્યું હતું કે વાવાઝોડાથી ઊભી થયેલી સ્થિતિની ચકાસણી કરવા ગુજરાત અને દીવના વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું છે. કેન્દ્ર સરકાર તમામ અસરગ્રસ્ત રાજ્યોના સંપર્કમાં છે. વાવાઝોડાથી થયેલા નુકસાનની સમીક્ષા કરવા વડાપ્રધાને ઉના, જાફરાબાદ (અમરેલી), મહુવા(ભાવનગર) અને દીવમાં હવાઈ નિરિક્ષણ કર્યું હતું. કેન્દ્ર સરકાર વાવાઝોડાથી અસરગ્રસ્ત તમામ રાજ્યોમાં પ્રધાનોની ટીમ મોકલશે. આ ટીમ નુકસાનનો તાગ મેળવશે. જેના આધારે વધુ સહાય કરવામાં આવશે.
મોદીએ ગુજરાતના લોકોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની સાથે છે. તેમજ પ્રભાવિત વિસ્તારોમાં જે કંઈ મદદની જરૂર પડશે તે આપવામાં આવશે. જેમાં મકાનોના સમારકામથી લઈ નવા બનાવવા સહિતની બાબતો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ ગુજરાતની કોરોનાની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. રાજ્ય વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલા અંગે વડાપ્રધાનને માહિતી આપવામાં આવી હતી.