ભારતમાં કોરોનાનો કેર યથાવત રહ્યો છે. દેશમાં બુધવારે નવા 267,334 નવા કેસ સાથે કુલ કેસનો આંકડો 25.5 મિલિયનને પાર કર્યો હતો, જ્યારે એક દિવસમાં વિક્રમજનક 4,529 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 283,248 થયો હતો. વિશ્વમાં એકમાત્ર અમેરિકામાં ભારત કરતાં વધુ કોરોના કેસ નોંધાયા છે. એક દિવસમાં ભારતમાં મોતની સંખ્યા પણ અમેરિકા પછી વિશ્વમાં બીજા ક્રમે છે. અમેરિકામાં 12 ફેબ્રુઆરીથી કોરોનાથી 5,444 લોકોના મોત થયા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા બુધવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લાં 24 કલાકમાં દેશમાં ફરી એકવાર કોરોનાના મોતનો આંકડો 4000ને પાર જવાની સાથે એક જ દિવસમાં 4,529 મૃત્યુઆંકે નવો રેકોર્ડ નોંધાવ્યો હતો, જ્યારે 24 કલાકમાં વધુ 2,67,334 લોકો કોરોનામાં સપડાયા હતા. છેલ્લાં કેટલાક સમયથી નવા કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જેમાં 3 દિવસથી આંકડો ત્રણ લાખથી નીચે નોંધાઈ રહ્યો છે જેની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે જેના લીધે એક્ટિવ કેસ ઘટીને 32,26,719 થઈ ગયા છે.
6 મેના રોજ કોરોનાના કેસ પીક પર પહોંચ્યા બાદ તેમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જોકે, પાછલા 12 દિવસથી નવા કેસમાં ઘટાડો છતાં દુનિયાના કોઈ દેશમાં નોંધાતા કેસમાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. કોરોના વાયરસનું મહારાષ્ટ્ર હોટસ્પોટ હતું પરંતુ હવે તે નંબર 4 પર પહોંચી રહ્યું છે, અને એક્ટિવ કેસના મામલે તે બીજા નંબરે થઈ ગયું છે. કર્ણાટકામાં દેશમાં સૌથી વધુ 5,75,028 એક્ટિવ કેસ છે, જ્યારે મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસની સંખ્યા 4,19,727 નોંધાઈ છે.