બ્રિટનની કંપની કેઇર્ન એનર્જીએ ટેક્સ વિવાદના સંદર્ભમાં ભારત સરકાર પાસેથી 1.72 બિલિયન ડોલર વસૂલ કરવા માટે વિદેશમાં રહેલી ભારત સરકારની 70 બિલિયન ડોલરની મિલકતો અલગ તારવી છે. આ સંપત્તિમાં એર ઇન્ડિયાના વિમાનો, ભારતના જહાજો, બેન્ક એકાઉન્ટ, ઓઇલ અને ગેસ કાર્ગો વગેરેનો સમાવેશ થાય છે. ભારતે આ કેસ અંગે હજુ કોઇ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત સરકાર એર ઇન્ડિયા સહિતની તેની કોઇ સંપત્તિને જપ્ત કરવાના પ્રયાસ સામે બચાવ કરવા માટે સજ્જ છે. ભારત સરકારે કે સંબંધિત જાહેર સાહસોને હજુ આવી કોઇ નોટિસ મળી નથી.
જો કેઇર્ન ભારતની આ સંપત્તિ જપ્ત કરશે તો ભારત પણ પાકિસ્તાન અને વેનેઝુએલાની લીગમાં આવી જશે, કારણ કે આ બંને દેશો પણ આંતરરાષ્ટ્રીય લવાદ ચુકાદાનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે.
આ ગતિવિધિથી માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે કેઇર્ન એનર્જીએ ભારત સરકારની એરલાઇન એર ઇન્ડિયાના વિમાનો, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના જહાજો, સરકારી બેન્કોની એસેટ, જાહેર સાહસોનો ઓઇલ અને ગેસ કાર્ગો સહિતની સંપત્તિ જપ્ત કરવાની તૈયારી ચાલુ કરી છે. આ સંપત્તિ વિવિધ દેશોમાં આવેલી છે.
ભારત સરકાર આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન એવોર્ડનો પાલન કરવાનો ઇનકાર કરી રહી હોવાથી કેઇર્ન અમેરિકા અને સિંગાપોર સહિતના કોર્ટમાં કેસ દાખલ કરવાની યોજના ધરાવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત સરકાર આવી જપ્તી સામે કાનૂની પડકાર આપશે, પરંતુ સંપત્તિ બચાવવા માટે સરકારે બેન્ક ગેરંટીના સ્વરૂપમાં એસેટની કિંમત જેટલી રકમ આપવી પડે તેવી શક્યતા છે. જો કેઇર્ન તેનો કેસ સાબિત નહીં કરી શકે તો કોર્ટ ભારતને ગેરંટી પાછી આપશે. પરંતુ જો ભારત સરકારે તેની ફરજ પાલન કર્યું નથી તેવું સાબિત થશે તો બેન્ક ગેરંટીની રકમ કેઇર્નને મળશે.
આ કેસ ભારતના પશ્ચાતવર્તી ટેક્સ સંબંધિત છે. ભારત સરકારે ટેક્સની રકમ વસૂલ કરવા કેઇર્ન એનર્જીના ઇન્ડિયા એકમના શેરો જપ્ત કરીને વેચી માર્યા હતા. તેનાથી કેઇર્ન એનર્જી આંતરરાષ્ટ્રીય લવાદ કોર્ટમાં ગઈ હતી અને લવાદ કોર્ટે કેઇર્નની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. તેથી કેઇર્ન એનર્જી વિવિધ દેશોની કોર્ટમાં કેસ દાખલ કરીને ભારત સરકારની વિદેશમાં રહેલી સંપત્તિ જપ્ત કરવા માટે કામગીરી કરી રહી છે. કેઇર્ને 14મેએ એર ઇન્ડિયાનો કબજો મેળવવા માટે ન્યૂ યોર્કમાં કાનૂની દાવો માંડ્યો હતો.
ભારતના નાણામંત્રાલયે આ મુદ્દે હજુ કોઇ સત્તાવાર ટીપ્પણી કરી નથી, પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત આવા ગેરકાનૂની એન્ફોર્સમેન્ટ પગલાં સામે જરૂરી પગલાં લેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારે આર્બિટ્રેશન ચુકાદાને હેગની યોગ્ય કોર્ટમાં પડકાર્યો છે તેવા આધારે ભારત સરકાર તેનો બચાવ કરશે. સરકારે વકીલોની ટીમ તૈયાર કરી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર કે કોઇ જાહેર સાહસને હજુ આવી કોઇ નોટીસ મળી નથી. પરંતુ કેઇર્ન કેસથી માહિતગાર લોકોએ જણાવ્યું હતું કે સંબંધિત સત્તાવાળાને યોગ્ય સમયે નોટિસ મળશે.