ભારતની રાજધાની દિલ્હીમાં કોરોના કેસોમાં ઘટાડો થયો હોવા છતાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે લોકડાઉન વધુ એક સપ્તાહ વધારવાની રવિવારે જાહેરાત કરી હતી. દિલ્હીમાં ચોથી વાર આ લૉકડાઉન વધારવામાં આવ્યું છે. દિલ્હીમાં ગયા મહિને પહેલી વાર લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી ત્યારપછી સતત તેને લંબાવવામાં આવ્યું છે. શનિવારના આંકડા અનુસાર, દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 6,500 નવા કેસ સામે આવ્યા હતા, જે 7મી એપ્રિલ પછી સૌથી ઓછો આંકડો છે.
લોકડાઉન પછીથી દિલ્હીમાં પોઝિટિવિટી રેટમાં 24 ટકા ઘટાડો જોવા મળ્યો છે પરંતુ સરકાર કોઈ પણ પ્રકારની ઢીલ આપવા માંગતી નથી. જે પ્રતિબંધો છેલ્લાં ત્રણ અઠવાડિયાથી લાગુ છે, તે આગામી અઠવાડિયામાં પણ લાગુ રહેશે. ગાઈડલાઈન્સ અનુસાર, લોકડાઉન દરમિયાન મેટ્રો સેવાઓ બંધ રહેશે. સાર્વજનિક સ્થળો જેમ કે હોટલ, સમુદાયના કેન્દ્રો, બેંક્વેટ હોલ વગેરે પર લગ્ન સમારોહનું આયોજન નહીં થઈ શકે. લગ્નની મંજૂરી આપવામાં આવશે પરંતુ તેની પરમિશન કોર્ટ પાસેથી લેવી પડશે. આ સિવાય ઘરે લગ્ન પ્રસંગનું આયોજન થઈ શકે છે. લગ્નમાં 20થી વધારે લોકોને હાજર રહેવા પર પ્રતિબંધ છે. આ સિવાય ટેન્ટ, ડીજે, મ્યુઝિક સિસ્ટમ, કેટરિંગ વગેરેનું બુકિંગ શક્ય નથી.