અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશનને કારણે ગુજરાતના દરિયાકાંઠે 16મે સુધીમાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે. લક્ષદ્વિપ પાસે આવેલા દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્ર પર સર્જાયેલું લો પ્રેશર રવિવાર સવાર સુધીમાં વધુ શક્તિશાળી બનીને ડિપ્રેશનમાં ફેરવાયા બાદ આગામી ૧૬ મેના સવાર સુધીમાં શક્તિશાળી વાવાઝોડામાં પરિવર્તિત થવાની પૂરી સંભાવના હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું છે. આ વાવાઝોડા પગલે રાજ્યનું તંત્ર એલર્ટ થઇ ગયું છે અને સંભવિત વાવાઝોડા સામેની તૈયારીઓ શરુ કરી દીધી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ દરિયાકાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે.
વાવાઝોડાને પગલે ૧૭થી ૧૯મે સુધીના ૩ દિવસ સુધી ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ ઉપરાંત દક્ષિણ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત વાદળો ખેંચી લાવતી સિસ્ટમ પણ સક્રિય થઈ છે જેના પગલે ૧૫ મેના અમરેલી, ભાવનગર, દિવ, સુરત, ભરુચ વગેરે વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ૧૬ મેના ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, દિવ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી વગેરે વિસ્તારમાં હળવા-મધ્યમની આગાહી છે. ૧૭ મેના વરસાદની તીવ્રતા વધશે અને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તથા ઉત્તર ગુજરાતમાં પણ આણંદ, દાહોદ, પંચમહાલ વગેરે વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
આ ઉપરાંત સોમવારની સવારથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતનો દરિયો તોફાની બનશે અને માછીમારોને ૧૬ મે પછી દરિયો નહીં ખેડવા ચેતવણી અપાઈ છે. દરિયામાં ૬૦થી ૮૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.